ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કુકાવાવ તાલુકાના જીથુડી મુકામે આશરે રૂપિયા ૨૬ લાખના ખર્ચે થનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જીથુડી ગામના સર્વાંગી વિકાસને વેગ આપતા આ વિકાસકાર્યોમાં મંદિર પાસે બ્લોક રોડ, સીસી રોડ, કોઝવે પાઇપલાઇન સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યો પૂર્ણ થતાં ગામના નાગરિકોને સુવિધાજનક આવાગમન તેમજ માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. અમરેલી જિલ્લાનો સર્વાંગી અને અવિરત વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને ગામડાઓ સુધી વિકાસની સુવિધાઓ પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસશીલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, આવા વિકાસકાર્યો થકી ગ્રામ્ય જીવનમાં સુખાકારી વધશે તથા લોકોના દૈનિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments