અમરેલી

અમરેલીના સોનારીયા મુકામે સુવિધાપથ સહિતના વિકાસકામનું ખાતમુહૂર્ત કરતાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

આજરોજ અમરેલીના સોનારીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોનારીયા-કથીવદર ગામ વચ્ચે ૩૦૦ મીટર લંબાઈના સુવિધાપથ-સીસી રોડનું નિર્માણ કરવામાં આવશે. મજબૂત રોડના નિર્માણથી ગ્રામ્યકક્ષાએ નાગરિકોની સુવિધામાં વધારો થશે. આ રોડ માર્ગ અને મકાન પંચાયત હેઠળ નિર્માણ કરવામાં આવશે.

શહેરની સાથે ગામડાઓ પણ વિકાસની દોડમાં પાછળ ન રહે સાથે “હરિયાળા અને રળિયામણાં ગામડાં”નું સપનું સાકાર થાય તે દિશામાં વિકાસકાર્યો વેગવંતા બન્યા છે. સોનારીયા મુકામે અંદાજે રૂ. ૫ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થતાં નજીકના સમયમાં ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે.

વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, કુંકાવાવ-વડીયા તાલુકાના કુલ ૪૫ ગામડાઓમાં એકસાથે જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ટૂંક સમયમાં અમરેલી તાલુકાના કુલ ૭૧ ગામડાઓમાં પણ જળ સંરક્ષણ માટે હયાત તળાવ ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકાર્યો વેગવંતા બન્યા છે. શહેર હોય કે, ગામડું વિકાસની દોડમાં પાછળ ન રહે તે લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આવતીકાલે તા. ૨૨ માર્ચને રવિવારના રોજ માર્કેટિંગ યાર્ડ-અમરેલી મુકામે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમરેલી નિવાસીઓને રાજ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

સોનારીયા મુકામે વિવિધ વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત આગેવાનો, સરપંચ શ્રી દિલુભાઈ અને ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, બહોલી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts