અમરેલી જિલ્લાના નવા ખીજડીયા ગામે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની ઉપસ્થિતિ અને લોકઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ હતી.
નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ સિંચાઈ પંચાયત વિભાગ, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ-અમરેલી દ્વારા અંદાજિત રૂ. ૩૮.૫૨ લાખના ખર્ચે આ પુરસંરક્ષણ દિવાલનું નિર્માણ હાથ ધરવામાં આવશે. વરસાદી ઋતુ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં થતું નુકસાન અટકાવવા માટે આ દિવાલ મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરી રહેણાંક વિસ્તારો, જાહેર સંપત્તિને સુરક્ષા મળશે.
રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત આધારભૂત સુવિધાઓ ઉભી કરી ગ્રામ વિકાસને ગતિ આપવા માટે કટિબદ્ધ છે. પુરસંરક્ષણ દિવાલના નિર્માણથી ગામમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે. આ કાર્ય ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપશે અને ભવિષ્યમાં આવનારી કુદરતી પરિસ્થિતિઓ સામે ગામને સશક્ત બનાવશે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, વિભાગીય અધિકારીશ્રીઓ તથા સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સરકારના આ લોકહિતકારક પગલાને આવકાર્યો હતો


















Recent Comments