અમરેલી જિલ્લાના દેવરાજીયા મુકામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આધુનિક MVCC (Medium Voltage Covered Conductor) કેબલ લગાડવાની કામગીરીનો પ્રારંભ ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. પી.જી.વી.સી.એલ દ્વારા અમરેલી જિલ્લામાં વીજ પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે ફેઝ-૧ અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેવરાજીયા ફીડર મુકામે ૧૮ કિલોમીટર લંબાઈ ધરાવતો કેબલ ૧.૪૧ કરોડના ખર્ચે બીછાવવામાં આવશે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આશરે અમરેલી જિલ્લામાં રૂ. ૭૦.૬૨ કરોડના ખર્ચે જિલ્લામાં કુલ ૯૪૫ કિલોમીટર લંબાઈમાં ૪૫ ફીડરમાં MVCC કેબલ બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જિલ્લામાં વીજ પુરવઠાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
MVCC કેબલના અમલીકરણથી તમામ ઋતુમાં સાતત્યપૂર્ણ અને નિરાંત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. ખાસ કરીને પવન, વરસાદ કે વૃક્ષોના કારણે થતા ટ્રિપિંગના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત લાઇન લોસમાં ઘટાડો થવાથી વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે.
જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કેબલને વાતાવરણના કારણે અસર થતી હોય છે ત્યારે આ વિશિષ્ટ કેબલથી કાટની અસર નહીં થાય. હાલ જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત આવતા ગામડાં અને અન્ય ગ્રામિણ વિસ્તારનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સમાન અને ગુણવત્તાયુક્ત વીજ સેવા પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટો એ દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી મહિડા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરશ્રી દહિયા, તાલુકાના અગ્રણીઓ અને વીજકંપનીના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ તેમજ દેવરાજીયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments