અમરેલી

અમરેલી તાલુકાના સોનારીયા મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ અમરેલી તાલુકાના સોનારીયા મુકામે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે રાજ્યમંત્રીશ્રીએ અંદાજે રૂ. ૪ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્યકક્ષાએ અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટર થકી લોકોની જનસુવિધાઓ વધશે સાથે આરોગ્ય સુવિધાઓ સહિતની સગવડતાઓ ઘરઆંગણે ત્વરિત મળતી થશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્યકક્ષાએ સતત અને અવિરત વિકાસકાર્યો શરૂ છે. વિકાસના દરેક કામ ગુણવત્તાલક્ષી ધોરણે કરવામાં આવે તે અમારી પ્રાથમિકતા છે. જનસામાન્યને પણ મોટી બીમારી સમયે મદદ મળે તે માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મારફત રૂ. ૧૦ લાખની સહાય પુરી પાડવામાં આવે છે. રાજ્યમંત્રીશ્રીએ દરેક ગ્રામજનોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અનુરોધ કર્યો હતો.            

સોનારીયા મુકામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ બગડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયત સરપંચ શ્રી જીલુભાઈ ધાંધલ સહિત પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts