રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે અમરેલી તાલુકાના કમીગઢ મુકામે ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્નાન ઘાટ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં અનુદાન આપવામાં આવતું હોય છે. કમીગઢ ગામને આ કડીમાં વિશિષ્ટ ભેટ મળી છે. ગત ચોમાસા દરમિયાન કમીગઢના બે પરા વચ્ચેના પુલ પર ભરાયેલા પાણીને જોયા બાદ મુખ્યમંત્રીશ્રીને આ અંગે રજૂઆત કરતા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૦૩ કરોડ જેટલી માતબર રકમના પૂલને મંજૂરી આપવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના હૈયે ખેડૂતોને હિત વસેલું છે. ગત વર્ષે અમરેલીમાં આવેલા કમોસમી વરસાદ અને વંટોળ બાદ રાજ્ય સરકારે અમરેલી વિધાનસભા વિસ્તારના ૫૦,૦૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૯૬ કરોડ જેટલી સહાય ચૂકવી દીધી છે. આ વર્ષે ઓક્ટોબર માસમાં આવેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે મોટું મન રાખી રાજ્ય સરકારે ફક્ત પંચરોજ કામના આધારે રૂ.૧૦,૦૦૦ કરોડ જેટલી રકમ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોમાં તાત્કાલિક ચૂકવવાની શરૂ કરી દીધી છે.
આ પ્રસંગે તેમણે અમરેલી શહેર ફરત રૂ. ૨૭૨ કરોડના ખર્ચે નિર્મિત થનારા રાધેશ્યામ-ચોકડી માચિયાળા નવા બાયપાસના કામને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચયાતના સભ્યશ્રી, શંભુભાઈ મહિડા, ગામના સરપંચશ્રી, સભ્યશ્રીઓ અને શ્રી, અતુલભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments