અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાખરીયા–ભૂખળી–સાંથળી રોડ તથા બાંટવાદેવળી–બરવાળા રોડ પર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત

ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાખરીયા–ભૂખળી–સાંથળી રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે બનનાર પ્રોટેક્શન વોલના કામનું તેમજ બાંટવાદેવળી–બરવાળા રોડ પર બાંટવાદેવળી મુકામે રૂ. ૦૮ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સલામતી અને આવાગમનની સુવિધાઓ સુદૃઢ બનાવવા પ્રતિબદ્ધ છે. બાંટવાદેવળીમાં રૂ. ૮૫ લાખના ખર્ચે શાળા તૈયાર કરવામાં આવી છે. ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી બાંટવાદેવળીમાં ૧.૭૨ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાને તાલુકાની રચના થઈ ત્યારબાદ પ્રથમવાર એ.પી.એમ.સી આપવામાં આવ્યું. આ યાર્ડ આજે મગફળીથી છલોછલ ઉભરાઈ રહ્યું છે. ખેડૂતોને આ એ.પી.એમ.સીના કારણે બગસરા અથવા અમરેલીના બદલે નજીકમાં સુવિધા મળી છે. વડિયા તાલુકાને પ્રથમ સરકારી કોલેજ આપવામાં આવી જેના લીધે આર્ટ્સ-કોમર્સ-સાયન્સનું ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે મળી શકે છે.

આ પ્રંસગે રાજ્યમંત્રીશ્રીએ બાંટવાદેવળી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. બાળકોની સર્જનાત્મકતા, સમજણ અને આત્મવિશ્વાસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. નાની વયમાં જ વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ અને નવીન વિચારો ભવિષ્યના ઉજ્જવળ સંકેત છે. તમામ બાળકોને તેમના અભ્યાસ અને આવનારા ભવિષ્ય માટે હાર્દિક શુભકામના પાઠવી હતી.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એ.પી.એમ.સી કુંકાવાવના ચેરમેનશ્રી ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયતના સભ્યશ્રી ગજેન્દ્રભાઈ પટોળીયા, સરપંચ સહિત અગ્રણી સર્વશ્રી શૈલેષભાઈ ઠુંમર, આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts