રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજરોજ બગસરાના સુડાવડ મુકામે રૂ. ૪૦ લાખના ખર્ચે બ્લોક રોડ,ભૂગર્ભ ગટર સહિતના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુડાવડ ગામના ૧૦ સામાન્ય પરિવારોને રાજ્ય સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ વપરાશ માટે વીજ કનેક્શન મળ્યા છે. ઘર વીજ વપરાશ માટે સામાન્ય પરિવારોને વીજ કનેક્શન મળતાં તેમના ચહેરાઓ પર હરખનું સ્મિત રેલાયુ હતું. આ પરિવારો સાથે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ સુડાવડ મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સુડાવડ મુકામે ગ્રામજનોની સભાને સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈએ જણાવ્યું કે, જ્યોતિગ્રામ યોજના અન્વયે ૧૫ પરિવારના ક્લસ્ટર મુજબ વીજ કનેક્શન આપવામાં આવતા હતા. આ યોજના હેઠળ ૦૫ પરિવારના ક્લસ્ટર મુજબ પરિવારોને વીજ કનેક્શન ત્વરિત મળે તે દિશામાં આખરી નિર્ણય બાદ ત્વરાએ કામગીરી આગળ ધપશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ બાદ ત્વરિત ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઉભી છે.
સુડાવડ મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી ખોડિયાર મંદિર મહંત પૂ. શ્રી જિગ્નેશબાપુ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, બગસરા તાલુકા અગ્રણીશ્રીઓ, ગ્રામ પંચાયત સરપંચ શ્રી પ્રવિણભાઈ આસોદરિયા અને સભ્યશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments