સમગ્ર ગુજરાતમાં સતત અને અવિરત વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. શહેરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસની દોડમાં શહેર સાથે ગામડાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આજરોજ અમરેલીના નાના ગોખરવાળા મુકામે અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર ગ્રામ સચિવાલયના નવા મકાનની કામગીરીનું રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે, હવે એ સમય નથી કે, વિકાસના કામો કરવા માટે આપણે સતત ધક્કા ખાવા પડે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દરેક વ્યક્તિની રજૂઆતોને ધ્યાનથી સાંભળવામાં આવે છે. અમરેલી જિલ્લામાં વિકાસકામો ઝડપી ગતિએ આગળ ધપી રહ્યા છે. ખેડૂતોને વીજ સંબંધિત સમસ્યાઓ હવે ત્વરિત ઉકેલવામાં આવશે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, PGVCL હસ્તકની અમરેલી ગ્રામીણ પેટા વિભાગ કચેરીનું વિભાજન કરીને નવા અમરેલી ગ્રામીણ-૨ પેટા વિભાગની રચનાને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડૂતોની વીજ સંબંધિત સમસ્યાઓ પણ ભૂતકાળ બનશે.
નાના ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયત સરપંચશ્રી સહિત પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments