અમરેલી તાલુકાના ચાડિયા–લાપાળિયા રોડ પર રૂ. ૨.૭૦ કરોડના ખર્ચે વિવિધ પુલો પર સ્લેબ ડ્રેઈન કામનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા તથા કાયદો-ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
આ ૧૬ કિલોમીટર લાંબા માર્ગ પર આવેલા તમામ પુલો પર કુલ ૦૪ સ્લેબ ડ્રેઈન તથા ૧૧ પાઈપ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસામાં પાણી ઓવરટોપીંગ થવાથી માર્ગ બંધ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આગામી સમયમાં અમરેલી વિધાનસભા વિસ્તારના એકપણ ગામમાં વરસાદના કારણે રોડ બંધ ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસામાં ખાન ખીજડીયા વિસ્તારમાં વરસાદી પાણીમાં તણાઈ જવાથી થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં આવા સંવેદનશીલ સ્થળોનો સર્વે કરાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે સમગ્ર અમરેલી જિલ્લા તેમજ રાજ્યભરમાં આવા વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમરેલીના વિકાસ માટે હંમેશા ઉદાર હાથે વિકાસકાર્યો મંજૂર કર્યા છે. અમરેલી શહેરને ફરતો નવો રાધેશ્યામ બાયપાસ રૂ. ૨૭૨ કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ તથા રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. જેમાંથી અમરેલી જિલ્લામાં અત્યારસુધીમાં આશરે રૂ. ૫૭૫ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં પણ અમરેલી જિલ્લામાં જ્યાં જરૂર પડશે ત્યાં વિકાસકાર્યોમાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે રોડ-રસ્તા, પ્રાથમિક શિક્ષણ માટે નવી શાળાઓ, આરોગ્ય કેન્દ્રો તથા નવા પંચાયત ભવનો અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકામાં તૈયાર થઈ રહ્યા છે જેના થકી શિક્ષણ, પ્રશાસન અને આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ અને લોકભોગ્ય બનશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી શુંભુભાઈ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયા, સભ્યશ્રી આશિષભાઈ, સાજિયાવદરના સરપંચશ્રી હરેશભાઈ ધાધલ સરંભડા, બાબાપુર સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ તથા ગામના અગ્રણીશ્રી સાવલિયા, શ્રી જયસુખભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments