અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગો પાસેથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો હતો. દિવસ દરમિયાન તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્થળ પર જઈ અને ખેતીલક્ષી હકિકતો પ્રાપ્ત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
જિલ્લાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને સૂચના આપતા તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ રૂબરુ મુલાકાત લઈ રહ્યા છે. જિલ્લામાં ખેતી અને બાગાયતમાં થયેલી નુકસાનીનો અહેવાલ સત્વરે સોંપવામાં આવી રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતો તરફથી તલાટીશ્રી સહિત કોઈપણ કર્મચારી કે અધિકારીશ્રીનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમને આ નુકસાની અને સર્વે સહિતની કામગીરી બાબતે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે. કુદરતના માર સામે જગતનો તાત બાથ ભીડી રહ્યો છે ત્યારે મોટુ મન રાખી તેમને યોગ્ય મદદ થાય તેના માટે સૌ સાથે મળી કૃષિકારોના કલ્યાણ અર્થે અહેવાલો તૈયાર કરવો જોઈએ.
આ બેઠકમાં મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદની સ્થિતિના લીધે કરવામાં આવેલા રેસ્ક્યુ બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે જિલ્લાના જળાશયો પર કોઈ નહાવા ન જાય તેની તાકીદ રાખવા જણાવ્યું હતું. જિલ્લાના માર્ગો અને કોઝવેમાં કોઈ નુકસાની હોય તો સત્વરે તેનું સમારકામ કરવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને આગામી ૦૩ દિવસ દરમિયાન એલર્ટ રહેવા તેમજ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ મકાન વિભાગ રાજ્ય, પંચાયત, પી.જી.વી.સી.એલ, સિંચાઈ રાજ્ય અને પંચાયત, ખેતીવાડી અને બાગાયત સહિતના વિભાગના અધિકારીશ્રીઓને કમોસમી વરસાદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાએ પ્રવર્તમાન સ્થિતિ અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments