અમરેલી

અમરેલી સ્થિત જિલ્લા પંચાયત ખાતે અમૃત ખેડૂત બજારની મુલાકાત લેતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી “અમૃત ખેડૂત બજાર”નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સ્થિત પરિસરમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ “અમૃત ખેડૂત બજાર”ની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદને વિષયક ચર્ચા કરી હતી.

આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ–બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ-દાળ, તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે. સવારે ૦૯ થી બપોરે ૧૨ કલાક સુધી બજાર ખુલ્લું રાખવામાં આવશે. જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યવર્ધક ખેતી ઉત્પાદનોનું વેચાણ થશે.

ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી થકી માનવીય આરોગ્ય પરનો ખતરો ટાળી શકાય છે. રાજ્યમંત્રીશ્રીએ આત્મા અમરેલીને પ્રાકૃતિક ચીજવસ્તુ-અમૃત ખેડૂત બજારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અમરેલી સ્થિત જિલ્લા પંચાયત ખાતે “અમૃત ખેડૂત બજાર”ની મુલાકાત વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts