ગુજરાત

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં માથાભારે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના ખૂબ શોખ હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે.

પાદરામાં યાસીન વહોરા નામના શખ્સનો ભારે ત્રાસ છે. નગરના લોકોને અવાર-નવાર તેની દાદારીગીનો કડવો અનુભવ થતો રહે છે. ક્યારેક તે ડોન બનવાનો અભરખો પુરો કરવા મારામારી પણ કરી દે છે. બને ત્યાં સુધી સામાન્યજન તેનાથી દુર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાત્રીના સમયે યાસીન વહોરાએ પાદરામાં હોમગાર્ડ જવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તે બાદ તેણે હોમગાર્ડ જવાનને પાડી દઇ, તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, અને હોમગાર્ડ જવાનને વધુ માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદની કાર્યવાહી શરૂ થતા જ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી લીધો છે. અને તેને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં યાસીન વોહરાને ડોન બનવાના અભરખા હતા, ત્યાં જ તેને પોલીસ જાપ્તામાં જોઇને લોકો અંદરખાને ખુશ થઇ રહ્યા છે. અને પોલીસ યાસીનને બરાબરનો પાઠ ભણાવે તેવો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts