લોકોના આંસુ લૂછવા માટે
હવે આકરા પ્રહાર જોઈએ,
શાસક તો એ જ સાચો,
જેનો જનતા પર પ્યાર જોઈએ.
ખાલી પડા છે બાટલા ને
લાંબી લાંબી આ કતાર છે,
ન્યાય મળે સૌને હવે,
બસ એવો જ દરબાર જોઈએ.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ એરો ગેસ એજન્સીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લોકોની લાંબી કતારો અને ગેસ બોટલ માટેની હેરાનગતિ નજરે જોતા ધારાસભ્યશ્રીએ ગેસ ડિસ્ટ્રીબ્યુટરનો ઉધડો લીધો હતો.
તેમણે એજન્સી સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, “જો આગામી એક અઠવાડિયામાં ઘરે-ઘરે LPG બોટલની ડિલિવરી શરૂ કરવામાં નહીં આવે, તો સરકાર આ એજન્સીનો વહીવટ પોતાના હસ્તક લઈ લેશે.”
નોંધનીય છે કે આ પૂર્વે ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલા દ્વારા પણ સ્થળ પર જઈ લોકોની સમસ્યા જાણી મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ જનહિતના મુદ્દાને ‘આપણું કુંડલા પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝ’ તથા ‘નાવલી ન્યૂઝ’ દ્વારા સતત પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર અને લોકપ્રતિનિધિ જાગૃત થયા છે. હવે જોવાનું એ રહે છે કે એજન્સી નિર્ધારિત સમયમાં સુધારો કરે છે કે કેમ.
















Recent Comments