અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સહકારી ઈજનેરી કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કોલેજના પ્રોફેસર દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને વૉટ્સએપ મારફતે બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ લંપટ પ્રોફેસર સામે ઉગ્ર દેખાવો કરીને ‘વી વોન્ટ જસ્ટીસ’ના સૂત્રોચ્ચાર કર્યાં હતા. વિદ્યાર્થીઓના ભારે રોષને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી અનુસાર, આ સરકારી કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણ સામે કોલેજની છાત્રાઓએ બિભત્સ મેસેજ મોકલ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. કોલેજની એક છાત્રાના મોબાઈલના વૉટ્સએપ ગ્રૂપમાં પ્રોફેસરે ગંદા અને બિભત્સ મેસેજ કર્યા હતા. જ્યારે આ છાત્રાએ આ મુદ્દે ફરિયાદ કરી, ત્યારે એવી હકીકત બહાર આવી કે પ્રોફેસરે અન્ય બે છાત્રાઓને પણ આવા જ ગંદા મેસેજ મોકલ્યા હતા. આ હકીકત બહાર આવતા જ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓએ કોલેજ સંકુલ ખાતે દેખાવો યોજી ન્યાયની માંગ કરી હતી.વિદ્યાર્થીઓમાં ભભૂકી ઉઠેલા ભારે રોષને પગલે આરોપી અધ્યાપક મનીષ ચૌહાણ પાછલા દરવાજેથી કોલેજ છોડીને ભાગી ગયો હતો. જોકે, કોલેજના આચાર્ય દ્વારા કડક કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવતા મામલો થોડો શાંત પડ્યો હતો.
પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ, પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




















Recent Comments