fbpx
ગુજરાત

અમદાવાદ સિવિલમાં ૪ વર્ષમાં કેન્સરના ૧ લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં નોંધાયા

અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ૨૦૨૧થી ૨૦૨૪ એમ ચાર વર્ષમાં કેન્સરના ૧ લાખથી વધુ દર્દી નોંધાઇ ચૂક્યા છે. જેમાં વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ૨૫૯૫૬ કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાં ૫૯૦૫૯ પુરુષ અને ૪૧૦૫૯ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૪માં કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં પુરુષોમાં મોંઢાના જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સરના વધારે કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૨૪માં સપ્ટેમ્બર સુધી ૧૪૫૭ સહિત ચાર વર્ષમાં ૬૮૮૯ કેસ પુરુષોમાં મોંઢાના કેન્સરના હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ ૧૮૮૦ અને વર્ષ ૨૦૨૨માં ૧૮૨૬ કેસનો સમાવેશ થાય છે. ડોક્ટરોના મતે, પુરુષોમાં તમાકુના સેવનની લતને કારણે મોંઢાના કેન્સરના કેસ વધારે નોંધાય છે.

બીજી તરફ મહિલાઓમાં છેલ્લા ચાર વર્ષમાં સ્તન કેન્સરના ૫૩૨૮ જેટલા કેસ નોંધાયા છે. જેમાં સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ૧૧૩૩ કેસનો સમાવેશ થાય છે. ડોક્ટરોના મતે હવે મહિલાઓમાં પણ મોંઢાના કેન્સરના કેસ વધી રહ્યા છે. આજથી થોડા વર્ષ અગાઉ મોંઢાના કેન્સરના ૧૦ કેસ આવતા તેમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૧ હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રમાણ વધીને ૧૦માંથી ચારનું થયું છે. દેખાદેખીને કારણે મહિલાઓમાં પણ સિગારેટ, તમાકુનું સેવન કરવાનું વઘ્યું હોવાથી તેમનામાં મોઢાના કેન્સરના કેસના પ્રમાણમાં વધારો જાેવા મળ્યો છે. અગાઉ ૫૦થી વધુ વયની વ્યક્તિમાં મોંઢાના કેન્સરના કેસ વધુ જાેવા મળતાં. હવે ૧૮થી ૪૦ના વયજૂથમાં પણ આ પ્રમાણ ચિંતાજનક વઘ્યું છે. આ ઉપરાંત અનેક લોકો મોંઢામાં નાનકડી ચાંદી પડી હોય તો કાથો-હળદરનો ઉપયોગ કરે છે. હકીકતમાં તેમણે નાની ચાંદી હોય તો પણ તકેદારી માટે ડોક્ટરનો સંપર્ક કરવો જાેઇએ. ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘ કેન્સરને હરાવવા માટે પ્રથમ બે સ્ટેજ ખૂબ જ મહત્વના પુરવાર થતાં હોય છે. જેના માટે સેલ્ફ સ્ક્રીનિંગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેન્સર હોય તો મક્કમ મનોબળ પણ દર્દી માટે દવા જેટલો જ મહત્વનો ભાગ ભજવે છે. ૪૦ની વય બાદ પ્રત્યેક મહિલાઓએ દર વર્ષે નિયમિત મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જાેઇએ. કેટલીક ગાંઠ પીડા આપનારી નહીં હોવાથી અનેક લોકો તેને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં સહેજપણ શંકા જણાય તો તેના માટે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જાેઇએ.

Follow Me:

Related Posts