રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્નો થકી સતત અને અવિરત જળ સંચય અભિયાન આગળ ધપી રહ્યું છે. જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જય સંરક્ષણ માટે ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આજરોજ કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામડાઓમાં એકસાથે ‘જળસંચય અભિયાન’નો શંખનાદ કરવામાં આવ્યો હતો. વિવિધ ૪૫ ગામના સરપંચના સંયુક્ત સંમેલનમાં રાજ્ય સરકારના ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે બરવાળા બાવીસી મુકામે અંદાજે રૂ. ૫૫ લાખના ખર્ચે વિવિધ ૧૧ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતનું નવું ભવન, તળાવ રીનોવેશન, વિવિધ રોડ રસ્તા, ભૂગર્ભ ગટરના વિકાસકામો સામેલ છે. આ ઉપરાંત અહીં ગ્રામ્ય વિસ્તારના વિવિધ નવા બનેલ રોડ-રસ્તા, બ્લોક રોડ, પાણીની ટાંકીના વાલનું હેડ યુનિટ સહિતના કુલ ૧૨ નવા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ વિકાસકાર્યો માટે કુલ ૩૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
બરવાળા બાવીસી મુકામે જળસંચય અભિયાનને વેગ આપવા માટે હયાત ૨ તળાવનું અંદાજે રૂ. ૬૦ લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. જેના થકી ખેડૂતોને ખેતી માટે પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સરપંચ સંમેલનને સંબોધન કરતા જણાવ્યું કે, અમરેલી વિધાનસભા વિસ્તારના તમામ ગામડાઓમાં જળસંચય અભિયાનને આગળ ધપાવીને સંકલ્પબદ્ધ બની પ્રતિબદ્ધતા સાથે આગળ વધવું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા કુંકાવાવ વડીયા વિસ્તારના ૪૫ ગામડાઓમાં તળાવ ઉંડા ઉતારવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિના વિલંબ અને પંચરોજકામના આધારે તત્કાલ કૃષિ રાહત પેકેજ આપવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ તમામ ગ્રામજનોને નિયમિત રીતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું મોનિટરિંગ કરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કુંકાવાવ-વડીયાના ૪૫ ગામડાઓમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અને જળ સંચય અભિયાન માટે અંદાજે રૂ. ૭ કરોડથી વધુની રકમનો ખર્ચ થશે. આ કામગીરી રાજકોટ સ્થિત શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે સંયુક્ત સહકારથી કરવામાં આવશે. કુલ ૬૦ દિવસ સુધી દરરોજ કુલ ૧૦ કલાક હીટાચી મશીન ચલાવવામાં આવશે અને તળાવો ઉંડા ઉતારવામાં આવશે. જળસંચયના આ ભગીરથ કાર્ય થકી કુંકાવાવ-વડીયા તાલુકાના તમામ ખેડૂતોને ફાયદો થશે.
બરવાળા બાવીસી મુકામે આયોજિત સરપંચ સંમેલન અને વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, વિવિધ ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments