અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ‘પ્રેરણા પ્રવાસ’
અમરેલી તા.૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) રાજયમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજય સરકાર કાર્યરત છે. જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોના પ્રેરણા પ્રવાસનું આયોજન અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગ અને આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા આયોજિત ‘પ્રેરણા પ્રવાસ’ દરમિયાન ખેડૂતોને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં જેમણે સફળતા હાંસલ કરી છે અને તેના મીઠા ફળ પણ પ્રાપ્ત કર્યા છે તેવા ખેડૂતોના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મેળવવાની સાથે તેના પ્રશ્નોનું સમાધાન પણ મેળવે છે.
આ પ્રવાસ દરમિયાન ખેડૂતો ખેતી ક્ષેત્રના નવીન પ્રયોગો અને ખેતીના અનુભવોની પરસ્પર આપ- લે પણ કરે છે.અમરેલી જિલ્લામાં હાલ સુધીમાં ૨૦થી વધુ ૧ દિવસીય પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા બહાર એટલે કે ગુજરાત રાજ્યમાં ૩ જેટલા પ્રવાસ ખેડૂતોને કરાવવામાં આવ્યા છે, જે પ્રવાસ ત્રણ થી ચાર દિવસનો હોય છે. ખેડૂતોના આ પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવે છે.
પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી, સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે ખેડૂતોને કૃષિ ક્ષેત્રનું આધુનિક જ્ઞાન મળી રહે તેવી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે.આત્મા પ્રોજેક્ટ અમરેલીના ડાયરેક્ટર શ્રી મહેશ જીડ, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા અને જિલ્લાની આત્મા પ્રોજેક્ટની સમગ્ર ટીમ પ્રેરણા પ્રવાસ યોજવા અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સતત જહેમત ઉઠાવી રહી છે.
Recent Comments