70મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા હતા.
આ એમ.ઓ.યુ. પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી અને વર્લ્ડ વાઈડ મીડિયાના શ્રી રોહિત ગોપાકુમારે હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2025નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી-બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું.
ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યો છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી ભીખૂ સિંહ પરમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર શ્રી પ્રભવ જોશી, તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વીનિત જૈન, ટાઇમ્સ ગ્રુપના ડાયરેક્ટર શ્રી રોહિત ગોપાકુમાર, લોકપ્રિય હિંદી ફિલ્મ મેકર શ્રી કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે અને સર્વાંગી વિકાસને પગલે ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતાને ફિલ્મ મેકિંગ ઉદ્યોગ ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી શકે તેમ છે. ભારતીય ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સનું ગુજરાતમાં આયોજન થવાથી લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ શકશે. એટલુ જ નહિ, સ્થાનિક ઉત્પાદનો ના ખરીદ-વેચાણથી વોકલ ફોર લોકલ દ્વારા સ્વદેશી અપનાવવાનું વડાપ્રધાનશ્રીનું આહવાન પણ પરિપૂર્ણ થશે.
વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મિંગ ઈન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ એમ.ઓ.યુ. મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાત કોન્સર્ટ ઈકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે. એક લાખની બેઠક ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે જ દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા માટે કેપેબલ છે.
આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનશે. કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બિચ જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોર્ડ્સ હાઇલાઇટ કરશે.
ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે.
આ વિકાસકાર્યો માત્ર એવોર્ડ સેરેમની માટે જ નહિ, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક બનશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.
આ પ્રસંગે ટાઇમ્સ ગ્રૂપના એમડી શ્રી વિનીત જૈને કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં બીજીવાર ફિલ્મ ફેર એવોર્ડ-૨૦૨૫નું સફળ આયોજન થવા જઈ રહ્યું છે. આ બદલ તેમણે ટાઈમ્સ ગ્રુપ વતી ગુજરાતનાં વિકાસલક્ષી વિઝન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાતનાં નાગરિકોનો આભાર માન્યો હતો. ૭૦ વર્ષથી ભારતીય સિનેમાના બેસ્ટ ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સંસ્કૃતિ અને મનોરંજનના સમન્વયના પરિણામે ફિલ્મ તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે.
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ જગતનો પ્રસિદ્ધ ફિલ્મફેર એવોર્ડ- ૨૦૨૫ ગુજરાતમાં બીજી વાર યોજાવા જઈ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે. ગુજરાતે અગાઉ આઈસીસી વર્લ્ડ કપ, ફિલ્મ ફેર એવોર્ડ અને કોલ્ડ પ્લે કોન્સર્ટ જેવી મોટી ઇવેન્ટની યજમાની પણ કરી છે. ગુજરાત સરકારે ફિલ્મ સહિત ઉદ્યોગોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ, ટેક્સમાં રાહત સહિત અનેક પ્રોત્સાહનો આપ્યા છે. આ ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૫ માટેના એમઓયુ ગુજરાતમાં ફિલ્મ ક્ષેત્રે નવા માઈલસ્ટોન સાબિત કરશે તેમ, જણાવી ફિલ્મ ફેર એવોર્ડ માટે ગુજરાતની પસંદગી કરવા બદલ રાજ્ય સરકાર વતી તેમણે આભાર માન્યો હતો.
વર્લ્ડ વાઈડ મીડિયાના CEO શ્રી રોહિત ગોપાકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતે ચાર તત્વોની ઓળખ બનાવી છે. જેમાં પ્રાચીન એટલે કે હડપ્પાની શોધ સાથે સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત, આધ્યાત્મિક જેમાં દ્વારકા અને પાલીતાણા, કલાત્મકમાં કચ્છ અને ડાંગનું ભરતકામ-કલા કારીગીરી અને ચોથું આધુનિક છે, જે શ્વેત ક્રાંતિ જેવી કે અમૂલ, વાઇબ્રન્ટ ગુજરાત કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ ઉપરાંત ગુજરાતની ઓળખસમું પાંચમું તત્વ મનોરંજન છે. ગુજરાત સરકારે જે ફિલ્મ નીતિ ઘડી છે, તે રાજ્ય માટે ખૂબ જ મહત્વની છે. રાજ્યમાં બીજીવાર ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૫ના આયોજન થકી ગુજરાતના વિઝનને વધુ મજબૂત કરવાની અમને તક મળી છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર શ્રી કરણ જોહરે કહ્યું હતું કે, જ્યારે આપણી ફિલ્મો નોમિનેટ થાય છે અને જીતીએ છીએ, ત્યારે તે આપણાં સૌ માટે એક ઐતિહાસિક પળ હોય છે. આમ, ફિલ્મ ફેર એવોર્ડ્સ આપણા બધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગત વર્ષે મને ગુજરાતમાં ૬૯માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે માટે અને આ વર્ષે ફરીથી ૭૦માં ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.
અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું હતું કે, ‘લેન્ડ ઓફ કલ્ચર’ તરીકે ઓળખાતા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં મારા મિત્રો હોવાને પરિણામે મને આ રાજય પ્રત્યે વિશેષ લાગણી છે. મારી કારકિર્દીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ પણ મને ગુજરાતની ધરતી ઉપર ગત વર્ષે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મળ્યો હતો અને આગામી વર્ષે પણ ગુજરાત ફિલ્મ ફેર એવોર્ડનું યજમાન બન્યું છે, તે મારા માટે ગૌરવ સમાન છે.
પ્રવાસન નિગમના MD શ્રી પ્રભવ જોષીએ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મિડિયા પ્રા. લીમીટેડ વચ્ચે થયેલા આ MOU અવસરે ફિલ્મ નિર્માણ અને ફિલ્મ અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકારો, કસબીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા

Recent Comments