ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો એક પ્રશ્ન આજે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલનો રજુ કર્યો
ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનની કેદમાં બંધ છે એમની ચિંતા કરતો એક પ્રશ્ન આજે રાજ્યસભામાં માન. સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલનો હતો. શ્રી શક્તિસિંહ ગોહિલે પ્રશ્નમાં પૂછ્યું હતું કે, ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે ? ભારત સરકારે પ્રશ્નના જવાબમાં લેખિતમાં સ્વીકાર્યું છે કે, ૧ જુલાઈ, ૨૦૨૪ના જે યાદી પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે ભારતના કુલ ૨૧૧ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે અને એમાંથી ૧૩૯ જેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ છે. શ્રી શક્તિસિંહ ગોહિલે આ માછીમારોને તાત્કાલિક પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે, માછીમાર ભુલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ સજા મર્યાદિત છે. એ સજાનો પિરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી, અપીલો ચાલતી નથી, કેન્દ્ર સરકારે કાઉન્સીલર એક્સેસ આપીને આવા કેસોનો નિકાલ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ એવી માંગણી પણ માન. વડાપ્રધાનશ્રી અને વિદેશ મંત્રી પાસે શ્રી શક્તિસિંહ ગોહિલે કરી હતી.
શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન માન. મનમોહનસિંહજી અને આદરણીય શ્રીમતી સોનિયા ગાંધીજીને મળીને પાકિસ્તાનની કેદમાં આપણા માછીમાર હોય તો પોતાના ઘર-પરિવાર સાથે સંદેશાવ્યવહાર થઈ શકે એટલા માટે ટપાલ વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. માછીમારના ઘર-પરિવારના સારા-નરસા સમાચારો એના સુધી પહોંચે એટલા માટે ટપાલ પાકિસ્તાનની જેલમાં જઈ શકતી હતી અને પાકિસ્તાનમાં રહેલા કેદી પોતાના ઘરના સભ્યોને ટપાલ લખીને પોતાની જે તકલીફો હોય અથવા પોતાની જે પરિસ્થિતિ હોય તેની વાત કરી શકતા હતા. આપણા કેદી પાકિસ્તાનની કેદમાં રહ્યા હોય એને કોઈપણ મુશ્કેલી હોય તે તેની વાત પરિવાર અને સરકાર સુધી પહોંચતી હતી. મારા આજના પ્રશ્નના જવાબમાં ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે, હવે પાકિસ્તાનની સરકારે આપણા ગુજરાતના કે ભારતના કેદીઓ ત્યાં છે એની સાથે ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે ત્યારે આવો એકતરફી ટપાલ વ્યવહાર બંધ ન થઈ શકે. કેન્દ્ર સરકારે આ અંગે લાલ આંખ કરવી જોઈએ. પાકિસ્તાનમાં રહેલો ગુજરાતી કે ભારતીય માછીમાર પોતાના ઘર-પરિવાર સાથે સંપર્ક ન કરી શકે એ માનવ અધિકારનો ભંગ છે ત્યારે જરૂર જણાયે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દો ઉઠાવવા કેન્દ્ર સરકાર સમક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી હતી.
Recent Comments