“કિસાન સન્માન સમારોહ”-૨૦૨૫ અન્વયે વડાપ્રધાન અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “કિસાન સન્માન સમારોહ” પણ યોજાયો હતો. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં “કિસાન સન્માન સમારોહ”-૨૦૨૫ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
અમરેલી સ્થિત ત્રિ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એ.જી.આર-૨ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન સહાય, ટ્રેક્ટર સહાય, એચ.આર.ટી અંતર્ગત પ્રોસેસીંગ યુનિટ સહાય યોજનાના વિવિધ લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે પેમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.
PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે PM KISAN યોજના અન્વયે ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રુ.૧,૧૪૮ કરોડથી વધુની સહાય સહિત સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રુ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં કરવામાં આવી હતી.
ગાંધીનગર કૃષિ ભવન ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન “કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર”નું ઇ-લોકાર્પણ થયું. આ સાથે રાજ્યભરમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્ચુઅલ સંબોધનમાં જણાવ્યુ કે, રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળે મળે છે આથી ખેડૂતોની વીજ સંબંધિત મુશ્કેલીઓનું નિરાકરણ આવ્યું છે. વધુમાં ઉમેર્યું કે, દેશના નાના અને સીમાંત ખેડૂતોની પડખે રહીને તેમની સરકારે તેમની દરકાર કરી છે. તાજેતરના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે મર્યાદા રુ.૩ લાખથી વધારીને રુ.૫ લાખ કરી, ખેડૂતહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ.
જિલ્લાકક્ષાના “કિસાન સન્માન સમારોહ” કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સોઈલ હેલ્થ કાર્ડ અને તેને લગતી માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કર્યું હતુ.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યુ કે, “ચેરિટી બિગીન્સ એટ હોમ” પ્રાકૃતિક કૃષિ એ આપણા પરિવારની ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખાદ્ય પેદાશોની જરુરિયાતો માટે જરુરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
પીએમ કિસાન સન્માન યોજના વર્ષ-૨૦૧૯માં શરુ કરવામાં આવી હતી જે અંતર્ગત તમામ ખેડૂતોને દર ચાર મહિને રુ.૨ હજાર એમ વાર્ષિક કૂલ રુ.૬ હજારની નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે. આ યોજના થકી દેશના નાના અને સીમાંત ખેડૂતોને બિયારણ અને દવા ખરીદીમાં મદદ મળે છે. લાભાર્થીઓના ખાતામાં સીધી જ સહાય ચૂકવવામાં આવતી હોય આ યોજના થકી નોંધનીય કામગીરી થઇ રહી છે.
જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સાંસદ શ્રી ભરતભાળ સુતરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી, ખેડૂત તાલીમ કેન્દ્ર અમરેલીના નાયબ ખેતી નિયામક (તાલીમ) શ્રી ઝીડ, નાયબ બાગાયત નિયામક શ્રી, શ્રી લાલભાઈ મોર, શ્રી ભીખાભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, યુવા ભાજપ અગ્રણી શ્રી મનીષભાઈ સંઘાણી, કે.વી.કે. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ અને ખેડૂત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments