અમરેલી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો કાર્યક્રમ યોજાયો

ષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વસ્ત્ર મંત્રાલય ભારત સરકારની સંયુક્ત પહેલ ઉપરાંત આઈ.સી.એ.આર.-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો – ૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો હતો.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી વી.પી. ચોવટીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૃષિ મેળામાં “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” વિવિધ સ્ટોલ્સ પ્રદર્શન પણ યોજાયા હતા.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યુ કે, ખેડૂતો માટે ‘વાવણી’ એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે. ગુણવત્તાલક્ષી બિયારણના ઉપયોગ થકી વધુ સારુ ખેત ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે ખેડૂતોને ખેતીમાં આધુનિક ખેત પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતુ.
વધુમાં ઉમેર્યુ કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ આજના સમયની મુખ્ય માંગ છે. ખેડુતો પોતાના રીતે ખેત ઉત્પાદનોને તૈયાર કરે અને તે ઉત્પાદનનું ક્લીનીંગ-પેકેજિંગ કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે તો તેમને વધુ નફાકારક રહેશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચોવટીયાએ કહ્યુ કે, અમરેલીની ઓળખ ખેતીપ્રધાન જિલ્લા તરીકેની છે. કપાસનું વાવેતર સાંકડે ગાળે કરવું અનિવાર્ય હોવાનું જણાવી કપાસના વાવેતર સમયે લેવાની થતી કાળજી અને અને સાવધાનીના ક્યા પગલા ભરવા તે માટેની વિગતો સાથે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કપાસના પાકને રક્ષણ આપવા ગુલાબી ઈયળોના નકારાત્મક પ્રભાવથી કેવી રીતે બચવું તે બાબતે તેમણે જરુરી સાવધાનીઓ રાખવા વિશે જણાવ્યું.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી વી.પી. ચોવટીયા અને મહાનુભાવોના હસ્તે સ્પેશ્યિલ કોટન પ્રોજેક્ટ અંતર્ગત પેમ્ફલેટ-પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કૃષિ વૈજ્ઞાનિકશ્રીએ જણાવ્યુ કે, કપાસના વાવેતરમાં ઓછુ ઉત્પાદન મળે તો તેનું એક મુખ્ય કારણ ગુલાબી ઈયળનું આક્રમણ હોય છે. ગુલાબી ઇયળના નકારાત્મક પ્રભાવથી કપાસના પાકને કેવી રીતે બચાવી શકાય તે માટે કૃષિ મેળામાં વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
બદલાતા સમયમાં ટેક્નોલોજીકલ પરિવર્તનો ખેતીક્ષેત્રે પણ અમલી થયા છે. ખેડૂતોએ પરંપરાગત ખેત પદ્ધતિ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયને અપનાવી વધુ ઉત્પાદન અને આવક મેળવે તે જરુરી છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી ખેતશ્રમમાં ઘટાડો થાય તે સાથે સમયની પણ બચત થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસ અને મગફળીની ખેતી વધુ પ્રમાણમાં થાય છે.
કપાસમાં સાંકડે ગાળે વાવેતર, તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, કપાસમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ, ખેતીમાં મૂલ્યવર્ધન અને તેના થકી વધુ આવક, કપાસમાં પોષક તત્વોની ઉણપ અને તેના નિવારણ અર્થેના ઉપાયો સહિતના વિવિધ વિષયો અન્વયે કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓએ વ્યાખ્યાન આપ્યું હતું.
આધુનિક ખેતપદ્ધતિ અપનાવનાર અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના અભિપ્રાયો અને અનુભવો જણાવ્યા હતા.
કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ, આધુનિક ખેતી પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતા બિયારણો, આધુનિક ટ્રેક્ટર, ક્લીનીંગ અને પેકેજિંગ દર્શાવતા સ્ટોલ્સ – પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ મહત્વની વિગતો અને જાણકારી મેળવી હતી.
કૃષિ મેળો – ૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી.જાદવ, સહ વિસ્તરણ નિયામક શ્રી ડૉ. ચોરવાડીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક શ્રી મિનાક્ષીબેન બારૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. કે. કાનાણી, અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી નિલેશભાઇ કાછડીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments