fbpx
અમરેલી

અમરેલીના અમરાપર ગામના ખેડૂત ઘનશ્યામભાઈ રાજપરાએ પ્રાકૃતિક ખેતીના ઉત્કૃષ્ટ પરિણામોથી રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ચકિત કર્યા

સમય વિતવાની સાથે પ્રાકૃતિક ખેતીના પરિણામો રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે, તેવું જ કંઈક બન્યું છે અમરેલીના અમરાપુર ગામે.છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા શ્રી ઘનશ્યામભાઈ રાજપરાએ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આંબાવાડીના સફળ ઉછેરના પરિણામે તેમની આસપાસ રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને ચોંકાવી દીધા છે. અમરાપુર ગામના આસપાસ વિસ્તારમાં આંબાની બાગનો વાવેતર કે, ઉછેર અશક્ય ગણવામાં આવતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને દ્રઢતાથી વરેલા શ્રી ઘનશ્યામભાઈ રાજપરાએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉત્કૃષ્ટ પરિણામો મળી શકાય છે, તેમનું તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું.  

શ્રી ઘનશ્યામભાઈ કહે છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આંબાના આ સફળ ઉછેરના લીધે આસપાસના અન્ય ખેડૂતોએ અંદાજે ૩,૦૦૦ જેટલાં આંબાનું વાવેતર કર્યું છે. તેઓ કહે છે કે, પાંચ વીઘા જમીનમાં પંચસ્તરીય ફાર્મથી આ સફળતા મળી છે. પચસ્તરીય ફાર્મનો ફાયદો એ છે કે, ખેડૂતોને સતત તેમાંથી આવક પ્રાપ્ત થતી રહે છે, પંચસ્તરીય ફાર્મમાં આંબા, સીતાફળ, જામફળ, ચીકુ, ખારેક વગેરે ફળઝાડનું વાવેતર કર્યું છે. તેની સાથે દુધી, કારેલા, ગલકા, તુરિયા, મરચા, રીંગણી વગેરે શાકભાજીનું વાવેતર કર્યું છે. આમ, ખેડૂતોને શાકભાજીની આવક બારેમાસ થતી રહે છે.

શ્રી ઘનશ્યામભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા આ શાકભાજીને પોતાના ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતેથી જ ઘણું ખરું વેચાણ કરી દે છે. સુરત, રાજકોટ જેવા શહેરોમાં રહેલા તેમના ગ્રાહકોને પાર્સલથી શાકભાજી સહિતની પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી ખેત પેદાશ મોકલી આપે છે. ઉપરાંત આ પ્રગતિશીલ ખેડુત FPOના માધ્યમથી પણ આ કૃષિ પેદાશોનું વેચાણ કરે છે. શ્રી ઘનશ્યામભાઈ કહે છે કે, જમીન ન બગડે અને શુદ્ધ તથા આરોગ્યપ્રદ અનાજ-શાકભાજી મળી રહે તેવા આશય સાથે આજથી દશેક વર્ષ પૂર્વે પ્રાકૃતિક ખેતી શરુ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તે ખોટનો ધંધો ગણાવતા હતા. પરંતુ આજે અનેક ખેડૂતો અમારા ફાર્મની મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થઈ રહ્યા છે. હવે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે એક વિશ્વાસ પણ ઊભો થઈ રહ્યો છે.

પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો પર દ્રઢ વિશ્વાસ ધરાવતા શ્રી ઘનશ્યામભાઈ જણાવે છે કે, જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારવા અને પાકના પોષણ માટે અચ્છદાન અચૂક કરવું જોઈએ. તેની સાથે બીજામૃતનું પણ એટલું જ મહત્વ છે. આ ઉપરાંત જીવામૃત, ઘન જીવામૃતનો પણ પુષ્કળ ઉપયોગ કરવો જોઈએ. રોગ નિયંત્રણ માટે દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અજમાસ્ત્રનો છંટકાવ કરવો આવશ્યક છે.

તેઓ કુલ ૨૦ વીઘા જમીનમાં કપાસ, મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, ધાણા વગેરે પાકોની ખેતી કરી રહ્યા છે. આ સાથે તેનું વેલ્યુ એડિસન એટલે કે મૂલ્ય વર્ધન પણ કરી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલ ખેત ઉત્પાદન હોવાથી તેની માંગ પણ રહે છે અને બજાર કરતા આ ખેત પેદાશોનો ભાવ પણ વધુ મળે છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેઓ કહે છે, સરકારના આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા અને ખેડૂતોને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે ફાર્મ વિઝીટ કરવાની સાથે તાલીમનું પણ આયોજન કરે છે, જે ખેડુતો માટે માર્ગદર્શક અને ઉપયોગી નીવડે છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત થઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક કૃષિની મુહીમને તેજીથી આગળ વધારવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત રાજય સરકારનો આભાર કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ માટે શ્રી ઘનશ્યામભાઈએ ૧૫ વર્ષ જૂનો જંતુનાશક દવાનો ધંધો પણ છોડી દીધો !શ્રી ઘનશ્યામભાઈ રાજપરાએ, પ્રાકૃતિક કૃષિ શરુ કરી તે પૂર્વે ૧૫ વર્ષ જંતુનાશક દવાની દુકાન એટલે કે એગ્રોનો પણ વ્યવસાય કરતા હતા એ તેમનો ધિકતો ધંધો હતો, વાર્ષિક રુ.૨૫ લાખ જેટલું ટર્નઓવર હતું.આ સમય દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવી હતી. ત્યારે અન્ય ખેડૂતો રાત્રે પાકમાં દવાનો છંટકાવ કરતા હોવાનું જણાવતા એટલે તેમણે આ ધિકતા ધંધાને છોડી દીધો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts