અમરેલી

મારી યોજના પોર્ટલ : યોજનાકીય માહિતી અને માર્ગદર્શન, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના

રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ એ રસાયણમુકત અને પેસ્ટીસાઇડ્સ મુક્ત ખેતી છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના અમલમાં છે.

આ યોજના અન્વયે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ. ૯૦૦ પ્રતિ માસ (રૂ. ૧૦,૮૦૦ની વાર્ષિક મર્યાદામાં) સહાય આપવાની છે. જે હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે.

ખેડૂત લાભાર્થીની પાત્રતા :-

(૦૧) અરજદાર આઈડેન્ટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ મુત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે.

(૦૨) હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.

(૦૩) આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા અને ખેડૂતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર (૪૦ ગુંઠા) જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળવાપાત્ર થશે.

(૦૪) આ યોજના હેઠળ એક ખાતા (નમુના નંબર ૮-અ મુજબ) હેઠળ સંયુક્ત ખાતે લાભાર્થીને એકવાર સહાયનો લાભ મળશે.

(૦૫) અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઈએ.

અરજી કરવાની પદ્ધતિ :-

(૧) અરજદાર ખેડૂતે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માને આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકે છે.

(૦૨) ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની ઉપર સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જે તે સેજાના ગ્રામસેવક, બી.ટી.એમ,એ.ટી.એમ,પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્માની કચેરીને રજૂ કરવાની હોય છે.

(૦૩) સાધનિક કાગળો જેવા કે, ૮-અ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, બેન્ક પાસબુકની નકલ, દિન ૭માં તાલુકાના ગ્રામસેવક, બી.ટી.એમ,એ.ટી.એમને રજૂ કરવાના રહે છે.

આ યોજના હેઠળ મંજૂર થયેલ અરજી સંદર્ભે લાભાર્થીઓને ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. ૯૦૦ લેખે છ માસિક એડવાન્સ સહાયની રકમ રૂ. ૫૪૦૦ લાભાર્થીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના થકી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને મદદ મળી રહી છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.

Related Posts