ઘોઘા ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા “નારી સંમેલન” નો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ જિલ્લા પંચાયત ભાવનગરના માર્ગદર્શન હેઠળ તા. ૧૨ માર્ચના રોજ ઘોઘા ખાતે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્રારા ૨૨૫ જેટલી મહિલા અને કિશોરીઓને તેમના વિભાગની મહિલાલક્ષી યોજનાઓ અને સેવાઓ વિશે વિગતવાર માહિતી આપી તેમને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા કેવી રીતે સતર્ક રહેવું તથા મહિલાઓએ તેમના આરોગ્યની કાળજી કેવી રીતે લેવી જોઈએ તેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જગદીશભાઈ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા, ઘોઘા મહિલા મોરચાના પ્રમુખ શ્રી અંકિતાબેન ભટ્ટ તેમજ સરકારના વિવિધ વિભાગો જેવા કે, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ, મહિલા અને બાળ વિભાગ, આરોગ્ય વિભાગ, સાયબર ક્રાઇમ વિભાગ, પોલીસ વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ વગેરે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments