રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૫ અમરેલી એ.આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃત્તિલક્ષી પ્રવૃત્તિ

તા.૧ જાન્યુઆરી થી તા.૩૧ જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ (નેશનલ રોડ સેફ્ટી મંથ) -૨૦૨૫ ની ઉજવણી કરવાનું નક્કી થયું છે. આ અન્વયે અમરેલી એ.આર.ટી.ઓ, અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાબરા માર્કેટ યાર્ડ ખાતે માર્ગ સલામતી – રોડ સેફટી સેમિનાર યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વેને મુખ્યત્વે રેડિયમ રિફલેકટરનું મહત્વ સમજાવવામાં આવ્યું.
રાત્રિના સમયે જ્યારે વાહન ગામડાંઓના રસ્તા પરથી પસાર થાય છે ત્યારે અકસ્માત ટાળવા શું તકેદારી રાખવી જોઇએ, અંધારું હોય તેવા વિસ્તારોમાં સનેડા, છકડાં, ટ્રેકટર સહિતના ખેતઉપયોગી વાહનો રસ્તા પર હોય ત્યારે આ વાહનો પાછળ કે સાઈડમાં લાઈટ ન હોય તો શું સ્થિતિ સર્જાઇ શકે, માર્ગ પર થતી અકસ્માતની દુર્ઘટનાઓને ટાળવા વાહનમાં રેડિયમ રિફલેકટર કઇ રીતે ઉપયોગી થઇ શકે છે તે સમજાવવામાં આવ્યું.
રેડિયમ રિફલેકટર હોય તો અન્ય વાહનચાલકને આગળના વાહનની ગતિ વિશે ખ્યાલ આવી શકે છે. માર્કેટ યાર્ડમાં આવતાં વાહનોમાં રેડિયમ રિફલેકટર લગાડવા અંગે જાગૃત્તિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો તે સાથે ૧૦૦ જેટલાં વાહનોમાં વિનામૂલ્યે રેડિયમ રિફલેકટર લગાડવામાં આવ્યા, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments