અમરેલી

અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી

અમરેલી તા.૯ જાન્યુઆરી,૨૦૨૫ (ગુરુવાર)   અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત લીલીયા ખાતે વિદ્યાર્થીઓએ કલાત્મક ચિત્રો કંડારી માર્ગ સલામતીનો પ્રેરક સંદેશ આપ્યો હતો. આ સાથે ‘રોડ સેફ્ટી’ ને કેન્દ્રમાં રાખી નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

માર્ગ સલામતી સંદર્ભે લોકજાગૃતિ કેળવવા ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અને અઠવાડિયાની ઉજવણી વાહન વ્યવહાર કચેરી દ્વારા કરવામાં આવે છે. અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તા.૧ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન નેશનલ રોડ સેફટી મંથ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.

રોડ સેફટી કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના લીલીયા શાંતાબા કન્યા વિદ્યાલય, અમૃતબા વિદ્યાલય તેમજ લીલીયા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા- ખાતે તા.૭ થી તા.૯ જાન્યુઆરી દરમિયાન અનુક્રમે નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત એઆરટીઓ- અમરેલી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી જન જાગૃત્તિ વિષયક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અન્વયે રોડ સેફ્ટી વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સાથે માર્ગ સલામતી વિષયક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને રોડ સેફટી અંગે નાગરિકોમાં જનજાગૃત્તિ આવે અને પરિવારજનોને પણ રોડ સેફ્ટી અને જાગૃત કરવા અને વિગતો, માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી, અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts