મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને પત્ર લખ્યો ઉદ્ધવ સરકાર કોંગ્રેસ પક્ષને નબળો પાડવાનું કાવતરું રચે છ
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોંગ્રેસ પક્ષની અવગણના કરે છે અને એને નબળો પાડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે એવો પત્ર મુંબઇ કોંગ્રેસના એક નેતાએ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને લખ્યો હતો.
મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને લખેલા પત્રમાં ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ અંગે મતભેદો થતાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે સમજૂતી કરીને સરકાર રચી હતી.
રાયે પોતાના પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે ઠાકરે સરકાર કોંગ્રેસની અવગણના કરી રહી હતી. રાયે લખ્યું હતું કે શિવસેના અને એનસીપી હવે કોંગ્રેસને ગાંઠતા નથી. એમાં પણ એનસીપી ઊધઇને પેઠે કોંગ્રેસને કોતરી રહી હતી. જાણે કોંગ્રેસનું અસ્તિત્ત્વ જ નથી એ રીતે એનસીપી વર્તી રહી હતી.
આ સંદર્ભમાં તાજેતરમાં શિવસેનાએ એના મુખપત્ર સામનામાં કરેલું સૂચન મહત્ત્વનું છે. એમાં એવું સૂચન કરાયું હતું કે કોંગ્રેસને ફરી ચેતનવંતો પક્ષ બનાવવો હોય તો શરદ પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવવા જાેઇએ. એ ભારતીય રાજકારણના અનુભવી ખેલાડી છે. આ સૂચનથી કોંગ્રેસ પક્ષ ચોંકી ગયો હતો.
વિશ્વબંધુ રાયે પત્રમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારમાં કોંગ્રેસના પ્રધાનોને કોઇ મહત્ત્વની કામગીરી અપાતી નથી. આમ જનતા કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો સુદ્ધાંને એ વાતની ખબર નથી કે તેમના કયા નેતા રાજ્ય સરકારમાં કયું ખાતું સંભાળી રહ્યા છે. આપણા સાથીદાર હોવાનો દાવો કરીને રાજ્ય સરકાર રચનારા લોકો આજે કોંગ્રેસનું અસ્તિત્ત્વ જ ન હોય એ રીતે વર્તી રહ્યા છે. ચૂંટણી ટાણે કોંગ્રેસે લોકોને આપેલાં વચનોનું પાલન થાય એવાં કોઇ કાર્ય રાજ્ય સરકાર કરતી નથી. પક્ષના ધારાસભ્યો પક્ષાંતર કરી બેસે એ પહેલાં કોઇ નક્કર પગલું નેતાગીરી લે એવી અપેક્ષા છે.
Recent Comments