અમરેલી

ગર્ભાશયના મુખના કેન્સર વિરોઘી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોઘી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ આ અભિયાન અમલમાં મુકવામાં આવશે. આ અભિયાનનો હેતુ સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી ખતમ કરવાનો છે.

સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાંથી એક ગંભીર અને સામાન્ય પ્રકારનો કેન્સર છે, જે HPV વાયરસના સંક્રમણથી થાય છે. HPV રસી લેવાથી આ કેન્સર સામે અસરકારક રક્ષણ મળે છે. સર્વાઇકલ કેન્સરના ૯૦ ટકા કેસ HPV વાયરસના સંક્રમણથી થાય છે.

સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન મુજબ પ્રથમ તબક્કામાં  ધોરણ ૯માં અભ્યાસ કરતી આશરે ૧૪ વર્ષની કિશોરીઓને આ રસી આપવામાં આવશે. શાળાઓ તેમજ આરોગ્ય કેન્દ્રો દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે જેથી તમામ લાભાર્થી કિશોરીઓ સુધી સમયસર રસી પહોંચે.

દર વર્ષે દેશમાં સર્વાઇકલ કેન્સરના આશરે ૧.૨૫ લાખ નવા કેસ નોંધાય છે અને લગભગ ૭૫,૦૦૦ મહિલાઓનું મૃત્યુ થાય છે. તજજ્ઞોના મતે નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર HPV રસીકરણ દ્વારા આ ગંભીર રોગને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આર.એમ. જોશીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts