ભાવનગર

ભાવનગરમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ

આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે લાખણકા–બુધેલ
ચોકડી પાસે આવેલ માંગુકિયા પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
શિબિરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશોના વિવિધ સ્ટોલનું આકર્ષક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી ઘનશ્યામભાઈ કંટારિયા દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં
આવી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), ભાવનગર શ્રી જે.એન.પરમારે પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા, તેના
ફાયદા તથા વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાની પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી ભૂપેશભાઈ તથા રાકેશભાઈએ પોતાના અનુભવ શેર કરી પ્રાકૃતિક ખેતીથી
ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો શક્ય બનતો હોવાનું જણાવ્યું હતું.
માસ્ટર ટ્રેનર શ્રી મહેન્દ્ર કવાડે પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો તેમજ બીજામૃત, જીવામૃત અને ઘન
જીવામૃતની બનાવટ તથા ઉપયોગ અંગે ઉપયોગી માહિતી આપી હતી.
નાયબ બાગાયત નિયામક શ્રી એમ.બી.વાઘમશીએ પ્રાકૃતિક કૃષિમાં મૂલ્યવર્ધન તથા બજાર વ્યવસ્થાપન
અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એસ.બી. વાઘમશીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
જ્યારે મદદનીશ ખેતી નિયામક (પેટા વિભાગ), ભાવનગર શ્રી ચતુર સાંખટે ખેતીવાડીની વિવિધ સરકારી
યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કૃષિ પ્રગતિ એપ કમાન્ડ સેન્ટરના કૃષિ નિષ્ણાત શ્રી વિરેન્દ્રસિંહ વિહોલે ‘કૃષિ પ્રગતિ’ મોબાઇલ
એપ્લિકેશન વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એપ દ્વારા ખેડૂતો સેટેલાઈટ આધારિત માહિતી,
હવામાન પૂર્વાનુમાન તથા કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સેવાઓ મેળવી શકશે. પાકની વાવણીથી લઈ કાપણી સુધીનું
આયોજન, રોગ-જીવાતની ઓળખ અને તેના નિયંત્રણ અંગેની માહિતી પણ એપ દ્વારા ઉપલબ્ધ બનશે.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તેમજ પાંચ મુખ્ય આયામો – જીવામૃત, ઘન
જીવામૃત, બીજામૃત, અચ્છાદન અને વૈજ્ઞાનિક વાવેતર પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), ભાવનગર શ્રી જયપાલસિંહ ચાવડાએ આભારવિધિ કરી
ઉપસ્થિત તમામ મહેમાનો, નિષ્ણાતો તથા ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts