રાજયમાં પ્રાકૃતિક કૃષિની આહલેક જગાવી છેવાડાના વિસ્તારો સુધી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા આપવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવ્રતજીએ મિશન મોડમાં પ્રયાસો હાથ ધર્યા છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને ગીરકાંઠાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના રહેવાસી વતનપ્રેમી ડૉ.સંજય મુજપરા પરિવારના રૂ. ૨૫ કરોડના અનુદાનથી વિકસિત થનાર આંતરમાળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન થયું હતું.
ગ્રામજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશકો ત્યજી પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. રાસાયણિક ખાતરોના અવિવેકપૂર્ણ ઉપયોગ અને જંતુનાશકોના અતિરેકથી જમીન બિનઉપજાઉ થઈ રહી છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ રસાયણિક ખાતરોમાં આવતા મીઠાની માત્રાના કારણે ખેતીલાયક જમીનના સ્તર કઠણ થઈ રહ્યા છે. જમીનની પાણી શોષવાની ક્ષમતા અને ફળદ્રુપતા ઘટી રહી છે. જમીનને પૂરતું પોષણ ન મળતું હોવાથી પૂરતું ઉત્પાદન મળતું નથી. સામાન્ય વરસાદના કિસ્સામાં પણ ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય છે. પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેમાં ઉનાળામાં જૂન મહિનામાં પણ જમીનના ભેજના લીધે પાણીની સમસ્યા રહેતી નથી.
રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક મિશનના લીધે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયસોને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ બીજની પસંદગી, જીવામૃત, ઘનજીવામૃત, આંતરપાક અને પાક સંરક્ષણના ઉપાયો યોગ્ય રીતે કરવામાં આવે તો રાસાયણિક ખાતર યુક્ત ખેતી જેટલું ઉત્પાદન જ પ્રથમ વર્ષથી મળવા લાગે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતોના મિત્ર તરીકે કામ કરે છે. તે જમીનમાં ૮-૧૦ ફૂટ સુધી ઉંડાણમાં સુક્ષ્મ દર કરી અને જમીન ફળદ્રુપ બનાવે છે. દેશીગાયના છાણના ખોરાકથી અળસિયા પાકને પોટેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન સહિતના જરૂરી પોષક તત્વો આપે છે. આ અળસિયાના કારણે જમીનમાં પાણી શોષવાની ક્ષમતા વધે છે અને ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળે છે.‘
પ્રકૃતિના નિયમોને આધિન પ્રાકૃતિક કૃષિના પરિબળો સમજાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેવી રીતે જંગલમાં યૂરીયા-ડી.એ.પી કે જંતુનાશકોના ઉપયોગ વગર ઝાડ-પાનનો વિકાસ થાય છે તેવી જ રીતે પ્રાકૃતિક કૃષિમાં પણ પાકને પૂરતું પોષણ મળી શકે છે. દેશીગાયના ૦૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સુક્ષ્મજીવાણું હોય છે જે જમીનને પોષણ આપે છે.‘
આગામી પેઢીને શુદ્ધ હવા-પાણી અને ખોરાક આપવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરુરી છે તેમ ભારપૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, રસાયણિક ખાતર યુક્ત શાકભાજી અને અનાજના લીધે ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં કેન્સરના ૭૦,૦૦૦ કેસ નોંધાયા હતા જે વધીને પ્રતિદિન ૭૯૦ જેટલા કેન્સરના નવા દર્દી નોંધાઈ રહ્યા છે. ડાયાબિટીસ, કિડની વગેરે સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંતો આધારિત છે, તે ખેતી સાથે હવા પાણી અને પ્રકૃતિને શુદ્ધ રાખે છે.‘
રાજ્યપાલશ્રીએ દેશી ગાયની ઉચ્ચકોટીની ઓલાદના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વિભાગના માધ્યમથી કરવામાં આવેલા પ્રયાસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલકોને ઉચ્ચ ઓલાદની ગાય મળે તે માટે ગુણવત્તાયુક્ત બીજ રૂ. ૫૦ના દરે આપવામાં આવે છે. જેના દ્વારા વાછરડીનો જ જન્મ થાય છે અને વાછરડી જ્યારે મોટી થાય ત્યારે તેની દૂધ આપવાની ક્ષમતા સામાન્ય ગાય કરતાં વધારે હોય છે. પશુપાલકો દેશી ગાયની ઓલાદના સંવર્ધન માટે કરવામાં આવેલી આ પહેલને અપનાવી અને સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે.‘
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કૃષ્ણગઢ ગામને પોતાની સંપતિમાંથી રુ. ૨૫ કરોડનું અનુદાન આપી અને કૃષ્ણગઢ ગામને શહેરોમાં હોય તેવી ગટર-ડ્રેનેજ,પીવાના પાણીની લાઇન (અંદાજે ૩૮૦૦ રનીંગ મીટર) આર.સી.સી.ના રસ્તા (આશરે ત્રણ લાખ ચોરસ ફુટ), સ્ટ્રીટ લાઇટના પોલ (આશરે ૩૫૦), આધુનિક સુવિધાઓ સાથેનું પ્રાથમિક શાળાનું નવુ ભવન, સામાજિક કાર્યક્રમો માટેનું બિલ્ડીંગ (પટેલ વાડી), ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવ નિમાર્ણ, આખા ગામમાં સી.સી.ટી.વી કેમેરા, પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન સેન્ટર, શ્રી સરદાર પટેલ તથા જેમણે આ ગામની રચના કરી છે તેવા પ્રજાપ્રિય મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીના નામથી ગામની બે દિશામાં પ્રવેશદ્વાર, નવું ગ્રામ પંચાયત ભવન તથા જરૂરી સુવિધાઓ સાથેનું અંતિત્રધામ તૈયાર કરવા માટે વનતપ્રેમી ડૉ.સંજય મુંજપરા અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, સૌરાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી પરષોતમભાઈ ગેવરિયા, કથાકારશ્રી ગિરિ બાપૂ, ગામના સંરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રી, શિક્ષણવિદો, કવિશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments