અમરેલી

અમરેલી ખાતે કૃષિ સખી અને CRP માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

અમરેલી ખાતેની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાની કામગીરીમાં જોડાયેલા કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન – CRPની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોથી અવગત કરવાની સાથે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.

આ તાલીમમાં આત્માના નાયબ ખેતી નિયામક શ્રી મહેશ જીડ, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ આચાર્ય ડૉ. સ્વપ્નિલ દેશમુખ, શ્રી બી. ડી.મકવાણા, આર. એચ. વઘાસીયા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પ્રાકૃતિક કૃષિની વિવિધ યોજનાથી ખેડૂતીને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ તાલીમના ભાગરૂપે અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રાકૃતિક ફોર્મનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા પાકોના મિશ્ર પાક જેમ કે, ખરસાણી, સૂર્યમુખી, સોયાબીન, કપાસ, મગફળી, મકાઇ, ડાંગર, જુવાર, બાજરો સાથે દ્વીદળી મિશ્રપાક મગ, તુવેર, અડદ, વાલોળ કુદરતી સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરી પ્રાકૃતિક રીતે ઉછેરવામાં આવી છે. જે સંદર્ભે કોલેજના સ્ટાફ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત બાયો-ઈનપુટ યુનિટની વિઝિટ કરીને પાકોમાં વધારે ઉત્પાદન મળી રહે તે માટે ઉપયોગ થતાં બાયો ઇનપુટ જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહાસ્ત્ર તથા બીજામૃતની અસરકારકતા વિશે ખેડૂતોએ માહિતી મેળવી હતી.

આ તાલીમને સફળ બનાવવા માટે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના ડૉ. કે. વી. ચૌધરી, ડૉ. આર. આર. પ્રજાપતિ, ડૉ. કે. કે. બીજારણીયા. ડૉ. કે. આઈ. વસાવા તથા ડૉ. ડી. એમ. રાઠોડે જહેમત ઉઠાવી હતી.  

Related Posts