અમરેલી

ચાંપાવાડીના પ્રાકૃતિક ખેડૂત વેલજીભાઈ ચૌધરીએ કોઠાસૂઝથી બનાવ્યું શેરડીનું મોડેલ ફાર્મ

મેશા ચીલાચાલુ ખેતી કરતા ખેડૂતો માટે ચાંપાવાડીના ૭મું ધોરણ ભણેલા પ્રાકૃતિક ખેડૂત વેલજીભાઈ છગનભાઈ ચૌધરીએ પ્રેરક અભિગમ અપનાવી પ્રાકૃતિક શેરડીનું મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. પહેલા શાકભાજીનું વાવેતર કરતા કરતા શેરડીના પાકમાં બમણું ઉત્પાદન કઈ રીતે મળે અને ખેતીકામનો ખર્ચ કેવી રીતે ઘટે તે માટે હંમેશા પોતાની કોઠાસૂઝથી નવા નવા પ્રયોગો હાથ ધર્યા.

સૌપ્રથમ શેરડીના મોડેલ ફાર્મની વાતો કરતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે મોટેભાગે ખેડૂતો સામાન્ય રીતે પારિયા બનાવીને નીચે શેરડીના ટુકડાનું વાવેતર કરતા જેમાં બીયારણ એકરે ૩ થી ૪ ટન વધુ વપરાતું અને ઘણીબધી શેરડીનો બગાડ થતો હતો. રાસાયણિક ખાતરથી જમીન પોતાની ફળદ્રદુપતા ગુમાવી દે છે. જમીન કઠણ બને છે અને ઉત્પાદન ઓછું મળે છે.

વેલજીભાઈએ ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને તેમની જમીન ચકાસણી કરાવી લીધી. તેમાં કયા તત્વની ઉણપ છે. તે જાણી શકાય તે માટે જમીન ચકાસણી રીપોર્ટ ખૂબ જ મહત્વનો છે. તેમની જમીન સંપૂર્ણ ફળદ્રુપ હોવાનો રીપોર્ટ આવ્યો. ત્યારાબદ ૨ એકર જમીનમાં શેરડીનો પાક લેવા માટે આધુનિક ઓજારનો પણ ઉપયોગ કર્યો. નાના ટ્રેકટરથી ઉંડી ખેડ કરી ૬ ફૂટના બેડ તૈયાર કર્યા અને તેની બંને સાઈડ ઉપર પ્રાકૃતિક આચ્છાદાન કરી જૂન માસમાં જમીન તૈયાર કરી શેરડીના વાવેતર માટે હજુ બે માસની વાર હતી ત્યારે તેમાં આંતર પાક લેવાનો પ્રયોગ કર્યો અને તેમાં કાકડીનું વાવેતર કર્યું અને બે એકર જગ્યામાં અંદાજીત ૩ લાખની કાકડીનું ઉતપાદન મેળવ્યું જેમાં ૬૦ હજારનો ખર્ચ બાદ કરતા ૨.૪૦ લાખ રૂપિયાનું ચોખ્ખો નફો મેળવ્યો. ત્યારબાદ ઓગષ્ટ મહિનામાં શેરડીનો પાક બનાવવા માટે ૧૮૧૨૧ નામ ધરાવતી જાતની શેરડી પસંદ કરી.ઘણાંબધા ખેડૂતો આખા ટુકડા શેરડીના રોપે છે પરંતુ વેલજીભાઈએ ફક્ત એક જ આંખના નાના ટુકડા કરી તેને બીજામૃતમાં નાંખી નાનાી પોટલી બાંધીને મુક્યા જેમાં ત્રીજા દિવસે સરસ મજાના અંકુર ફુટ્યા અને તેને લઈને બેડમાં બંને તરફ મલ્ચીંગનો ઉપયોગ કરીને શેરડીના પીલાને રોપી દીધા.

 શેરડીના પાક માટે આખા વર્ષ દરમિયાન ગાયનું છાણ સુકવીને એકત્રિત કર્યું અને ઘન જીવામૃત તૈયાર કર્યું. એક એકરે ૨૦૦ કિ.ગ્રા. ખાતરનો ઉપયોગ કર્યો. શેરડીના ખેતરમાં ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ કરીને ખાતર,પાણી નાંખવાનો મજૂરી ખર્ચની બચત કરી. મલ્ચીંગ પધ્ધતિ અપનાવવાથી નિંદામણ ખર્ચ પણ ઘટાડ્યો. આજે વેલજીભાઈના શેરડીના મોડેલ ફાર્મને નિહાળવા અનેક ગામના ખેડૂતો આવે છે. એક એકરે ૨૦૦ ટન જેટલું ઉત્પાદન મળશે એવો દ્રઢ વિશ્વાસ વેલજીભાઈ ધરાવે  છે.

સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને ખેતીવાડી, આત્મા પ્રોજેકટ સાથે જોડાઈને તેમણે પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. અને આત્માનો રૂા.૨૫ હજારનો એવોર્ડ પણ વેલજીભાઈને મળ્યો છે.ત્યારે શેરડીના વધુ ઉત્પાદન મેળવવા માટે અચૂક વેલજીભાઈના ફાર્મની મુલાકાત ખેડૂતો માટે પ્રેરક બની રહેશે.

Related Posts