અમરેલી તા.૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) શ્રી ગણેશ ઉત્સવ તા.૨૭-૦૮-૨૦૨૫થી શરુ થશે. અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલિપસિંહ ગોહિલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, પર્યાવરણની તથા નાગરિકોની સુરક્ષાને લક્ષમાં રાખીને આવશ્યક પ્રતિબંધો મૂક્યા છે.
જાહેરનામા મુજબ શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત “૯ (નવ) ફૂટ” કરતા વધુ ઊંચાઈની મૂર્તિ અને પી.ઓ.પી.ની મૂર્તિ બેઠક સહિત ૫ (પાંચ) ફૂટ” કરતા વધુ ઊંચાઈની બનાવવા, વેંચવા કે સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા પર પ્રતિબંધ છે. વિસર્જન માટે નિયત સ્થળો અને મંજૂરી મેળવી તેમાં દર્શાવ્યા હોય તે સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળ ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ છે.
મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ પર, જાહેરમાં ખુલ્લી રાખવા પર તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ન ઓગળી શકે તેવા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેંચવા કે સ્થાપના કરવા પર, વિસર્જન સરઘસ માટે પરમીટમાં દર્શાવેલ રુટ સિવાય અન્ય રુટ પર શોભયાત્રા-સરઘસ કાઢવા, મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા પર પ્રતિબંધ છે. આ જાહેરનામુ સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૧૯-૦૮-૨૦૨૫ થી તા.૦૬-૦૯-૨૦૨૫ સુધી અમલી રહેશે.


















Recent Comments