ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને ઘોઘા તાલુકાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે
ઘોઘાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલ ખાતે તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ (ગુરૂવાર) થી તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન
ત્રિ-દિવસીય ‘વર્તમાનપત્ર તથા સામયિક સંગ્રહ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનો પ્રારંભ તા. ૮ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. શાળાના ધોરણ–૧૨ના
ભૂગોળ વિષયને આધારિત આ પ્રદર્શન શૈક્ષણિક, સાહિત્યિક અને ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પ્રદર્શનમાં છેલ્લા સો વર્ષના ઐતિહાસિક વર્તમાનપત્રોથી લઈને આજના સમયના આધુનિક વર્તમાનપત્રો,
વિવિધ વિષયોના સામયિકો તેમજ પાઠ્યપુસ્તકોનો વિશાળ અને દુર્લભ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવશે. ભારત સહિત
કુલ ૩૬ દેશોના અને ૩૯ ભાષાના ૧,૦૦૦થી વધુ વર્તમાનપત્રો તથા ૮૫૦થી વધુ સામયિકો આ પ્રદર્શનનું મુખ્ય
આકર્ષણ રહેશે.
આ પ્રદર્શનમાં ભારતના મોટા ભાગના રાજ્યોમાંથી પ્રસિદ્ધ થતાં વર્તમાનપત્રો ઉપરાંત સંસ્કૃત, મેઘાલયની
ગારો-ખાસી, સિક્કીમની નેપાળી, ત્રિપુરાની કોકબોરોક, ઓડિશાની સંથાલી જેવી અલભ્ય ભાષાઓના વર્તમાનપત્રો
પણ જોવા મળશે.
લંડનથી ઈ.સ. ૧૮૯૭માં પ્રસિદ્ધ થયેલું ‘ટાઈમ્સ’, ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહેલા ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફૂલછાબ’,
તેમજ ‘ભાવનગર સમાચાર’ અને ‘કાઠીયાવાડ ટાઈમ્સ’ જેવા ઐતિહાસિક અખબારો પ્રદર્શનને વિશેષ ગૌરવ આપશે.
ઈન્દિરા ગાંધીજીની હત્યા, ઈ.સ. ૨૦૦૧નો વિનાશક ભૂકંપ, ભારતની આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થવાની
ઉજવણી જેવી ઐતિહાસિક ઘટનાઓના સમયના વિશેષ વર્તમાનપત્રો તથા તેના ‘વધારા’ પણ દર્શનાર્થે મૂકવામાં
આવશે.
એકમાત્ર આંતરરાષ્ટ્રીય હિન્દી બ્રેલ વર્તમાનપત્ર, ભારતનું પ્રથમ કાપડનું વર્તમાનપત્ર તથા હલ્દીઘાટીની
માટીના ‘માસ્ટર હેડ’ સાથેનું અનોખું વર્તમાનપત્ર પણ આ પ્રદર્શનમાં સમાવિષ્ટ છે. ઉપરાંત, અમેરિકાના ૫૬ સેમી
લંબાઈના ત્રણ વિશાળ વર્તમાનપત્રો પણ દર્શાવવામાં આવશે.
સાહિત્યપ્રેમીઓ માટે કવિતા, કુમાર, કૌમુદી, ગુજરાત શાળાપત્ર, દક્ષિણા, નવચેતન, નવજીવન, પરબ, પ્રકૃતિ,
મિલાપ, રોશની, વસંત, સંસ્કૃતિ જેવા જૂના સમયના લોકપ્રિય સાહિત્યિક સામયિકોની ફાઈલો વિશેષ આકર્ષણ રહેશે.
મહાત્મા ગાંધીજીના તંત્રીપદે પ્રકાશિત થયેલા ઐતિહાસિક અંગ્રેજી સામયિકો જેમ કે Harijan, Young India,
Bhoodan ની ફાઈલો પણ પ્રદર્શિત કરાશે, જોકે તેમની જર્જરિત હાલતને કારણે નિહાળવામાં મર્યાદા રહેશે.
આ ઉપરાંત ગાંધીજી અને ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવોના તંત્રીપદ હેઠળ પ્રકાશિત સામયિકો, ઈ.સ.
૧૯૪૬ના હસ્તલિખિત સામયિકો, તેમજ ઈ.સ. ૧૮૯૦ થી ૧૯૯૦ સુધીના ગુજરાતના કેટલાક જૂના પાઠ્યપુસ્તકો પણ
પ્રદર્શનનો ભાગ રહેશે. રેલ્વે તથા એસ.ટી.ની જૂની ટિકિટો, ૪૫થી ૫૦ વર્ષ જૂની ગુજરાતી-હિન્દી ફિલ્મોના ફિલ્મી
ગીતોની ગીતમાલા, માટીના કેટલાંક ઐતિહાસિક અવશેષો પણ અહીં જોવા મળશે.
શાળામાં અગાઉ યોજાયેલા ‘આવો, ઘોઘાને ઓળખીએ’ પ્રદર્શનના ઘોઘાના મોડેલ્સ, ઈતિહાસની ફાઈલો,
છાપાના કટીંગ્સ તેમજ ૧૦૦ દેશોના સિક્કા, નોટો અને ટપાલ ટિકિટોની ફાઈલો પણ આ પ્રદર્શનમાં સમાવિષ્ટ છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, વાલીઓ, સાહિત્યપ્રેમીઓ અને જિજ્ઞાસુઓ સુધી જ્ઞાનસભર, ઐતિહાસિક
અને નવતર માહિતી પહોંચાડવાનો તેમજ શિક્ષણ- સાહિત્યના સમૃદ્ધ વારસા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે.
વધુ માહિતી માટે શ્રી સંજય ચૌહાણ (મો. ૭૨૦૩૯૨૫૮૯૨) પર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારી
જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલે જાહેરજનતા અને જિજ્ઞાસુઓને બહોળા પ્રમાણમાં આ જ્ઞાનપ્રદ પ્રદર્શનનો લાભ લેવા
અપીલ કરી છે.

















Recent Comments