રાષ્ટ્રીય

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને રિઝવવામાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે મુઝફ્ફરપુરમાં એક જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે બિહારના યુવાનો પાસે પોતાના જ રાજ્યમાં કોઈ ભવિષ્ય બચ્યું નથી. બિહારીઓનું ભવિષ્ય બિહારમાં નથી, આ જ સત્ય છે. નીતિશ કુમાર છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે, પોતાને અત્યંત પછાત ગણાવે છે. તો પછી તમે કહો કે, તેમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે શું કર્યું?’તેમણે જનતાને સવાલ કર્યો કે, ‘શું લોકો એવા રાજ્યમાં રહેવા માંગે છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ ન મળે? કોંગ્રેસ અને અમારા સાથી પક્ષો એવા બિહારની કલ્પના કરે છે, જ્યાં દરેક યુવાનને રોજગાર મળે અને દરેક પરિવારને બહેતર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ મળે.’મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નીતિશ કુમાર માત્ર ચહેરો છે, પરંતુ સત્તાનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. તમે એવું ન વિચારો કે, ત્યાં પછાત અને દલિતોનો અવાજ સાંભળવામાં આવે છે. ત્યાં ત્રણ-ચાર લોકો બધુ કંટ્રોલ કરે છે. ભાજપ પાસે રિમોટ છે અને તેમને સામાજિક ન્યાય સાથે કોઈ લેવાદેવા નથી.’રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને લઈને પણ નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘અહીં યમુના નથી, પરંતુ તળાવ છે છતાં નરેન્દ્ર મોદી તેમાં નાહવા જતા રહ્યા. તેમને છઠ્ઠ પૂજા કે યમુનાથી કોઈ મતલબ નથી, તેમને માત્ર તમારો વોટ જોઈએ છે. જો તમે કહેશો તો તેઓ નાચશે પણ. તેઓ ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.’બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરુષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે. અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

Related Posts