આવતીકાલે આગમન વસંતનું થશે..!
સમજ કેળવવા ભવિષ્યની
સમજુતીનું જ ખુદ મંથન થશે.!
ભલે હોય અંધકાર કાળોતરો,
આપના નગરમાં પણ,
પ્રકાશિત કરવા એ નગરને,
મશાલનું જ મર્દન થશે.!!
– – “પાંધી સર “
વર્ષ બદલે વાતો વૃધ્ધ થાય, નવા વર્ષમાં નવી આશાનાં શૈશવ શમણાંઓ આંખોમાં ભરવા થનગની રહ્યા હોય ત્યારે, વિતેલા વર્ષોનું વિહંગાવલોકન કરતાં ૨૦૨૫ વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય ત્યારે હવે એક દિવસ બાદ તારીખિયું બદલાઈ જશે. જો કે કેલેન્ડરમાં મહિના, તારીખો અને વારના નામ એના એ જ રહે છે પણ વર્ષનું ટાઇટલ સમૂળગું બદલાશે. આવતીકાલ પછીની તારીખ અને મહિનાની પાછળ ૨૦૨૬ લખાશે. આ માત્ર આંકડાકીય ફેરફાર જ નથી પણ જીવનમાં હમણાં જ બનેલી ઘટનાઓને ભૂતકાળના ગર્ભમાં ધરબીને ભવિષ્યની નવી આશાઓ અને અરમાનો માટે વર્તમાનના વિવિધ આયામો સુધી પહોચવાની
મથામણ કરતા માનવીઓ માટેની સમયની સરકતી ચારણી છે.અત્યારે જૂના વર્ષ અને નવા વર્ષનો સંધિકાળ ચાલે છે.જેને સંક્રાતિ કાળ પણ કહી શકીએ જો કે આ સંધી કાળનું મહત્વ પણ એક અનોખા મિજાજ જેવું હોય છે. આ દિવસો કાળના બે તબક્કાઓને જોડતી શૃંખલાની અંતિમ કડી છે ત્યારે પસાર થયેલી પળોને પલટાવી શકાતી નથી પણ વીતેલી ક્ષણોને વાગોળીને, વલોવીને એમાંથી નવા વર્ષ માટે ઉપયોગી નવતીત અલગ તારવી શકાય ખરું. આ એવો સમય છે જેનું ફલેશબેક કરતા આખા વર્ષ દરમ્યાન મળેલી સફળતા-નિષ્ફળતાના લેખા-જોખા થાય છે. આખા વર્ષના માણસના સુખ દુખના સરવૈયા એના માનસપટ પર લપકારા મારતાં જોવા મળે છે. કેટલીક યાદગાર પળો માત્ર વીતેલા વર્ષ પૂરતી જ
નહિ પણ જીંદગી પર્યંત પણ ભુલી શકાય નહિ તેવી હોય છે. કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે એ યાદ કરવાથી આજે પણ મિજાજ ખરાબ થઈ જાય છે. કેટલાક પ્રસંગો પરેશાન કરનાર બન્યા હોય છે. કેટલાક કિસ્સા આપણા જીવનમાં પરિવર્તન માટેના હિસ્સા બન્યા હોય છે. કેટલીક ભૂલો આજીવન ભૂલી શકાતી નથી હોતી. એમાંથી મળેલી શીખ આગળની મુસાફરીના માર્ગ માટે માર્ગદર્શક બનનારી હોય છે. કેટલીક આપત્તિઓ આપણી પોતાની ભૂલના કારણે આવી હોય છે. કેટલાકમાં બીજાના ષડયંત્રોના ભોગ બન્યા હોય તેવી હોય છે. ક્યાંક કોઈના વાણી વર્તન અને વ્યવહારનો ભોગ બન્યા હોઈએ તો કચાંક આપણા વાણી, વર્તન અને વ્યવહાર બીજાની ખુશી કે ગમ માટે નિમિત્ત બન્યા હોય છે.
કયાંક આપણો સ્વાર્થ બીજાના સુખમાં અવરોધક બન્યો હોય તો કયાંક કોઈ બીજાનો સ્વાર્થ આપણા દુઃખનું નિમિત્ત બન્યું હોય છે.આપણી આસપાસની દુનિયામાં વીતેલા વર્ષમાં ઘણી બધી આપણા સુખ-દુઃખનું કારણ બની હોય છે. ક્યારેક કોઈ સ્વજનથી માઠું લાગ્યું હોય અને અબોલા થયા હોય તો કયારેક આપણાથી કોઈ નારાજ થયું હોય અને આપણે એને ધારેલી કે અણધારેલી ઘટનાઓ કે દુર્ઘટનાઓ બની ગઈ હોય જેમાં આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ હોઈએ અને આવી ઘટનાઓ કે દુર્ઘટનાઓ માફ કરી શક્યા ના હોઈએ. ક્યારેક કોઈની પાસે માફી માગવી પડી હોય તો કચારેક કોઈને મોટું મન રાખીને માફી આપી હોય. છતાં કોઈની માફી માગવાની રહી ગઈ તો માગી લઈએ, કોઈને માફ કરવાનું બાકી રહી ગયું હોય તો યાદ કરી લઈએ. પરિવારમાંથી કોઈ સ્વજને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી હોય તો એની ખોટ સાલતી હોય. એની સામે પરિવારમાં નવા સભ્યનું આગમન પણ થયું હોય એનો આનંદ મળતો હોય. કચારેક દિવસ રાત સખત મહેનત કરી હોય છતાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યાનો સંતોષ મળ્યો હોય. ક્યારેક રજાઓમાં પરિવાર સાથે ખૂબ આનંદ કર્યો હોય. ક્યારેક ફરજ માટે પરિવારના પ્રસંગને મિસ કર્યો હોય. કયારેક કોઈને રાહ જોવડાવી હોય તો કયારેક કોઈની આપણે રાહ જોવી પડી હોય. કયારેક દોડધામના કારણે ટાણું ચૂકી ગયા હોઈએ તો કચારેક સમયસર ધરાઈને ધાન ખાવાનો અમી ભરેલો ઓડકાર આવ્યો હોય.ટુંકમાં વીતેલા વર્ષમાં સમય સાથે અનુકૂલનની શીખ મેળવીને ગયા વર્ષના સંભારણાનું સંસ્મરણ કરીએ. કયાંક સુખદ રીતે કોઈની મહેમાનગતિ માણી હોય તો કયાંક અગવડતાઓ ચલાવી લીધી હોય. ક્યાંક આદર મળ્યો હોય તો કયાંક અપમાન પણ સહન કરવું પડ્યું હોય. વીતેલા વર્ષ દરમ્યાન ક્યારેક અચાનક ખુશીના સમાચાર મળ્યા હોય તો કયારેક દુઃખદ સમાચાર મળ્યા હોય. કુટુંબ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી આપણું યોગદાન આપણે જે મેળવ્યું છે એમાંથી આપતા હોઇએ ત્યારે એનો વસવસો નહિ પણ અનેરો આનંદ હોય છે. વીતેલા વર્ષના અનુભવમાં ક્યારેક આપવાની ઈચ્છા હોય પણ આપણી ક્ષમતા ના હોય અને મનમાં એક પ્રકારનો ક્ષોભ હોય છે. આવનારું વર્ષ આપણી ઈચ્છા મુજબ યોગદાન આપી શકીએ એવી સગવડતાવાળું બની રહે એવી સૌની અભિલાષા હોય છે. કોઈનાથી છેતરાયા હોઈએ છતાં બીજાને છેતરવા નહિ એવો સિદ્ધાંત સમયના આ બદલાતા પડાવ સાથે અચલ જળવાઈ રહે એવું સૌના માટે વિચારીએ. ખાસ તો પ્રકૃતિ અને પર્યાવરણ સહિત માનવજાત પ્રત્યે શિસ્ત, ક્ષમા, સ્નેહ, મમતા, કરુણા સાથે કર્તવ્યપાલન સો ટકા શુદ્ધ ભાવથી કરતા રહીએ. વર્ષના અંતિમ દિવસોમાં આખા વર્ષ દરમ્યાન આપણાથી થયેલી ભૂલોની ક્ષમા યાચના સાથે આવનારા નવા વર્ષમાં ભૂલોની બાદબાકી થાય, સંસ્કારોનો સરવાળો થાય, ગુણોનો ગુણાકાર થાય એવા શુભ સંકલ્પ સાથે ગયું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય પણ આવનારું નવું વર્ષ સૌના માટે ખૂબ ગમે એવું જાય એવી અનેરી શુભેચ્છાઓ સાથે આવતાં અંગ્રેજી માસના નૂતન વર્ષના રામ રામ જયશ્રી સ્વામીનારાયણ જયશ્રી કૃષ્ણ મહાદેવ. સૌને સુખમય નિવડે એવી અભિલાષા.


















Recent Comments