રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનથી કોઈ આતંકી ભારત નહીં આવે, અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી હાલ ભારતની મુલાકાતે છે. મુત્તાકીએ આજે જમિયત-ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ અરશદ મદનીએ જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધ માત્ર ધાર્મિક અને શૈક્ષણિક નથી, પરંતુ ઐતિહાસિક છે. આપણો સંબંધ માત્ર મદરેસા અને તાલીમ સુધી સીમિત નથી. અફઘાનિસ્તાને ભારતની આઝાદીમાં યોગદાન આપ્યું હતું. આપણા વડવાઓએ ભારતની સ્વતંત્રતાની લડાઈમાં અફઘાનની ભૂમિ પસંદ કરી હતી. અફઘાનિસ્તાને ખાતરી આપી છે કે, અફઘાનિસ્તાનમાંથી કોઈ આતંકવાદી ભારત નહીં આવે. ઉલ્લેખનીય છે, ભારતે અગાઉ અનેક વખત ફરિયાદ કરી છે કે, આતંકવાદીઓ અફઘાનિસ્તાનના માર્ગેથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે.મૌલાના અરશદ મદનીએ આગળ જણાવ્યું કે, જેમ ભારતે બ્રિટિશ શાસને ઉખેડી નાખ્યું હતું, તેવી જ રીતે અફઘાનિસ્તાને અમેરિકા અને રશિયા જેવી તાકાતોને હરાવી છે. તેઓએ કહ્યું છે કે, અમે તમારી પાસેથી શીખ્યું છે કે, આઝાદી કેવી રીતે હાંસલ થઈ શકે. અફઘાનના વિદેશમંત્રી મુત્તાકી સાથે આ મુલાકાત ભારતીય મુસલમાનો અને દારૂલ ઉલૂમ દેવબંદના અફઘાનિસ્તાન સાથે ઊંડા સંબંધોનું પ્રતીક છે. વધુમાં અરશદ મદનીએ કહ્યું કે ધર્મથી આગળ વધીને વિશ્વના તમામ દેશોમાં સુમેળ અને શાંતિ હોવી જોઈએ. અમારી વાતચીતમાં કોઈ રાજકીય મુદ્દાઓ સામેલ નહોતા, પરંતુ પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ શનિવારે આ મુલાકાત અંગે જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. તેમણે દારુલ ઉલૂમ દેવબંદમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતના લોકોનો આભાર માન્યો હતો. દારુલ ઉલૂમ દેવબંદને દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા માનવામાં આવે છે. સહારનપુર પહોંચેલા મુત્તાકીએ કહ્યું કે, ‘અમે અહીં નવા રાજદ્વારીઓ મોકલીશું અને આશા રાખીએ છીએ કે તમે પણ કાબુલ આવશો. દિલ્હીમાં મને જે પ્રકારનું સ્વાગત મળ્યું છે તેનાથી મને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં ભારત-અફઘાનિસ્તાન સંબંધો વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આવી મુલાકાતો વધશે.’દિલ્હીથી રોડ માર્ગે દેવબંદ પહોંચેલા મુત્તાકીનું સ્વાગત દારુલ ઉલૂમ દેવબંદના મોહતમિમ (વાઇસ ચાન્સેલર) અબુલ કાસિમ નોમાની, જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની અને દારુલ ઉલૂમના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મુત્તાકીને મળવા માટે ઉત્સુક હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમને નજીક જવા દેવામાં આવ્યા ન હતા. મુત્તાકી આ ભવ્ય સ્વાગત અને લોકોનો પ્રેમ જોઈ ખુશ થયા હતા અને આભાર માન્યો હતો.

Related Posts