ભાવનગર

માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે.

જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે કેળવણી સાર્થક હોવાનું જાણીતા લોકવૈજ્ઞાનિક અને લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ અહીંયા બાલવાડી શિબિર પ્રારંભે જણાવ્યું છે. તેમણે લોકભારતીના સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટના શબ્દો મુજબ લોકભારતીના વિચાર જે સ્વીકારે તેની લોકભારતી તેમ જણાવી, આણંદ અને આજીવિકાનો શ્રોત એક હોય તે સુખી એમ જણાવ્યું. બાળ કેળવણી સંદર્ભે વાત કરતાં ભાવિ શિક્ષક વિદ્યાર્થીઓને મોજી અને ખોજી રહેવાં શીખ આપી.

લોકભારતી અધ્યાપન મંદિરમાં બાલવાડી શિબિર પ્રારંભે શિક્ષણ પ્રેમી નિવૃત્ત અધિકારી શ્રી નલીનભાઈ પંડિતે વિશ્વના બાળકોને બેઠા કરવાની તાલીમ અહીંયા મળી રહ્યાનું જણાવી ગીર નેસમાં ચાલતી આનંદધારા અભિયાન અને મોજીલા શિક્ષણનો ઉલ્લેખ કર્યો.

પ્રાથમિક શિક્ષણ વિભાગ શ્રેયાન અધિક્ષક શ્રી અલ્પેશભાઈ પીપળિયાએ લોકભારતીને તપોભૂમિ ગણાવી અહીંયા ઘડતર અને ચણતરની થતી પ્રવૃત્તિ સાથે આ બાલવાડી શિબિરનું મહત્વ બિરદાવ્યું.

પ્રેરક વક્તા અને સહયોગી બનેલાં શ્રી ચેતનભાઈ પટેલે વિદ્યાર્થી બાળકો સામે શિક્ષકની પ્રસન્ન ચહેરો માર્ગદર્શક રહેતો હોવાનું જણાવ્યું અને બાળકોના બાળપણ ઘડવાનું કામ થઈ રહ્યાનું ઉમેર્યું.

આચાર્ય શ્રી જગદીશગિરિ ગોસાઈએ આવકાર ભૂમિકા આપતાં અહીંની કેળવણી પ્રવૃત્તિ અને બાલવાડી શિબિરની ફળશ્રુતિ વર્ણવી હતી.

શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ગિજુભાઈ બધેકા, શ્રી મનુભાઈ પંચોળી વગેરેના સામાજિક મૂલ્ય ઉલ્લેખો સાથે લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે પાંચ દિવસ માટે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે.
અહીંયા જ્ઞાન વિજ્ઞાન અને ગમ્મત પ્રયોગો સાથે પ્રારંભાયેલ આ શિબિરમાં શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે વિવિધ સંસ્થાઓમાંથી તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે.

આભારવિધી સાથે શિબિર સંયોજક શ્રી કવિતાબેન વ્યાસે રાજીપાનો ભાવ જણાવ્યો. શિબિર સહ સંયોજક શ્રી સંદીપભાઈ ઉંડવિયા અને કાર્યકર્તાઓનું સંકલન રહ્યું.

પ્રારંભે સંચાલનમાં શ્રી નીરવ અંટાળા અને કુમારી ધારા જાની રહ્યાં.

સંસ્થાના શ્રી હસમુખભાઈ દેવમુરારિ, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, શ્રી રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી નીતિનભાઈ ભીંગરાડિયા વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.

Related Posts