આજના સમયની બદલાતી જીવનશૈલી અને ખોરાકની ખરાબ આદતોના કારણે મેદસ્વીતા
(Obesity) ઝડપથી વધતી સમસ્યા બની રહી છે. ખાસ કરીને મહિલાઓને મેદસ્વીતાને કારણે શારીરિક રીતે
ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જેમાં ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર,માસિક ચક્રમાં
અનિયમિતતા, ગર્ભધારણમાં મુશ્કેલી, સાંધા અને કમરની પીડા અને આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે.
મેદસ્વીતા એ જીવનશૈલી સંબંધિત રોગ છે. મહિલાઓનું સ્વાસ્થ્ય સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું
હોવાથી, તેને નિયંત્રિત કરવા માટે યોગ્ય આહાર, કસરત, તણાવ નિયંત્રણ અને નિયમિત તબીબી તપાસ
જરૂરી છે.
મહિલાઓમાં મેદસ્વીતાના મુખ્ય કારણો
શારીરિક પ્રવૃત્તિનો અભાવ વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મહિલાઓમાં થાયરોઈડ,
PCOD/PCOS, મેનોપોઝ જેવી સ્થિતિઓમાં હોર્મોનલ ફેરફાર થાય છે, જે મેટાબોલિઝમ ધીમું પાડે છે અને
ચરબીમાં વધારો થાય છે. વધુ પ્રમાણમાં તેલ, તળેલી વસ્તુઓ, મીઠાઈ, જંક ફૂડ અને શરબતનું સેવન
કરવાથી તથા ભોજનના અનિયમિત સમય રાત્રે મોડે જમવાથી પણ વજનમાં વધારો થાય છે. ગર્ભાવસ્થા
દરમ્યાન કુદરતી રીતે વજન વધે છે, પરંતુ પ્રસુતિ બાદ યોગ્ય કસરત અને આહાર ન લેવામાં આવે તો
ચરબીમાં વધારો થાય છે. તણાવથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે ભૂખ વધારે છે અને ચરબી જમા
કરે છે. અપૂરતી ઊંઘ પણ વજન વધારવામાં ફાળો આપે છે.
મહિલાઓમાં મેદસ્વીતા ઘટાડવાના અસરકારક ઉપાય
દૈનિક આહારમાં શાકભાજી, દાળ, ફળ, અને દૂધની વસ્તુઓ શામેલ કરવી, તળેલી, મીઠી અને વધુ
તેલવાળી વસ્તુઓ ટાળવી તથા પૂરતું પાણી પીવું જોઈએ. યોગ્ય સમયે ભોજન કરવાથી અને નિયમિત
કસરત કરવાથી પણ ખૂબ લાભ થાય છે. દરરોજ ઓછામાં ઓછા ૩૦ થી ૪૫ મિનિટ ચાલવું, યોગાસન કે
હળવી કસરત કરવી. ઘરમાં અને કાર્યસ્થળે પણ વધુ હલનચલન કરવાની ટેવ પાડવી. સૂર્યનમસ્કાર,
તાડાસન, ભુજંગાસન, પવનમુક્તાસન જેવા યોગાસન વજન ઘટાડવામાં મદદરૂપ છે. ધ્યાન દ્વારા તણાવમાં
ઘટાડો થાય છે અને હોર્મોનલ સંતુલન સુધરે છે. દૈનિક ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. યોગ્ય ઊંઘ
શરીરના હોર્મોનલ સિસ્ટમને સંતુલિત રાખે છે. જો થાયરોઈડ અથવા PCOD જેવી સ્થિતિ હોય, તો તબીબી
સલાહ લેવી જરૂરી છે. ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ લેવાથી મેટાબોલિઝમ સુધરે છે. જવાર,
બાજરી, રાગી જેવી અનાજવાળી રોટલી લેવી. ટીવી કે મોબાઈલ જોતી વખતે ખાવાનું ટાળવું જોઈએ.


















Recent Comments