રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાના ઉમદા હેતુથી શરૂ થયેલ ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ સતત આગળ ધપી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને શારીરિક શ્રમ અને યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વજન ઘટાડવા અને ફિટનેસ જાળવવા માટે ત્રિકોણાસન, નૌકાસન અને ભુજંગાસનની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મત મુજબ ત્રિકોણાસન, નૌકાસન અને ભૂજંગાસન આસનો શરીરના અલગ-અલગ હિસ્સાઓ પર કામ કરીને ચરબી ઘટાડવામાં વૈજ્ઞાનિક રીતે મદદ કરે છે.
(૦૧) ત્રિકોણાસન – આ આસન કરતી વખતે શરીરનો આકાર ત્રિકોણ જેવો બને છે, જે બાજુની ચરબી અથવા સાઈડ ફેટને ઘટાડવામાં મદદરૂપ છે. આ આસન જાંઘ, ઘૂંટણ અને ઘૂંટીને મજબૂત બનાવે છે. પાચનક્રિયામાં સુધારો કરે છે અને માનસિક તણાવ ઓછો કરવામાં મદદરૂપ છે.
(૦૨) નૌકાસન – આ આસનમાં શરીરનું સંપૂર્ણ સંતુલન નિતંબ પર રહે છે, જેનાથી પેટના સ્નાયુઓ પર ભારે દબાણ આવે છે. આ દબાણ પેટની જીદ્દી ચરબી (બેલી ફેટ) ઓગાળવા માટે રામબાણ ઈલાજ છે. આ આસનની મદદથી કિડની, પ્રોસ્ટેટ અને આંતરડાની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કોર મસલ્સને મજબૂત બનાવી શકાય છે.
(૦૩) ભુજંગાસન – સાપની ફેણ જેવી મુદ્રા ધરાવતું આ આસન પેનક્રિયાસ અને લિવરને સક્રિય કરે છે, જે શરીરમાં વધારાની કેલરી બાળવામાં મદદ કરે છે. આ આસનની મદદથી કરોડરજ્જુની લવચીકતા વધે છે. છાતી અને ખભાના સ્નાયુઓને મજબૂત બને છે. સાથે શ્વસન તંત્રને મજબૂતી મળે છે.
રાજ્યમાં દરેક નાગરિક યોગને જીવનનો હિસ્સો બનાવે તે માટે જરૂરી છે. મેદસ્વિતા માત્ર સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું મૂળ છે. આ આસનોના નિયમિત અભ્યાસથી આડઅસર વગર કુદરતી રીતે વજન ઘટાડી શકાય છે.


















Recent Comments