દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ આસામના ગુવહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજનાનો ૨૨મો હપ્તો રૂપે રૂ. ૨,૦૦૦ની સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સાંજે ૪.૦૦ કલાકથી યોજાશે. જ્યારે અમરેલી જિલ્લામાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લામાં અંદાજે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોને યોજનાનો લાભ મળશે. સાથે સાથે ખેડૂતોને મિલેટ પાક અંગે માર્ગદર્શન મળે તે માટે મિલેટ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષા કાર્યક્રમ અમરેલી તાલુકાના સરંભડા મુકામે હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં બગસરા તાલુકાના ડેરી પીપળીયા ખાતે પટેલ સમાજની વાડી, લીલીયા તાલુકાના આંબા ગામે સાવજ પરિવારની વાડી, લાઠી તાલુકાના કાંચરડી ગામે રાઠોડ પરિવારના મઢની જગ્યા, બાબરા તાલુકાના રૂમ બરવાળા ખાતે હાઈસ્કૂલ રૂમ ખાતે યોજાશે.
કુંકાવાવ તાલુકાના ખડખડ ગામે હિરપરા સમાજની વાડી, ધારી તાલુકાના ત્રંબકપુર ખાતે પટેલ સમાજની વાડી, ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે પંચમુખી હનુમાનજી મંદિર, જાફરાબાદ તાલુકાના કાગવદર ખાતે રામજી મંદિર, રાજુલા તાલુકાના દાતરડી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સાવરકુંડલા તાલુકાના થોરડી ખાતે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમો યોજાશે. ઉપરાંત અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને નજીકના કાર્યક્રમોમાં હાજરી આપી જીવંત પ્રસારણ નિહાળવા અને યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.















Recent Comments