અમરેલી

સંસ્મરણોની પાંખે… ગીરના ગાંધી ગણાતા બાલુબાપા ગઢિયાનું શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન…

આજની ૧૪મી ફેબ્રુઆરી એટલે કે મૈત્રી દિન નિમિત્તે, ગીરના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો ઉજાસ ફેલાવનાર વિભૂતિઓના સંસ્મરણો તાજા થયા છે. ‘જીવતા ગાંધી’ તરીકે ઓળખાતા બાલુબાપા ગઢિયા અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ગુણવંતરાય પુરોહિતના માર્ગદર્શન હેઠળ ૧૯૭૭માં શરૂ થયેલી શૈક્ષણિક મશાલ આજે વટવૃક્ષ બનીને અનેક વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરી રહી છે.

​દીકરીઓના શિક્ષણ માટે અંતરિયાળ ગામની પસંદગી

​૧૯૭૦ના દાયકામાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાઓનો અભાવ હતો, ત્યારે દીકરીઓને ૫-૧૦ કિમી દૂર ભણવા મોકલવી એ વાલીઓ માટે મોટો પ્રશ્ન હતો. આ પડકારને ઝીલીને શ્રી સર્વોદય સંસ્થા બાબાપુરના સ્વ. ગુણવંતરાય પુરોહિતે સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરી ૧૬ જેટલી શાળાઓ શરૂ કરાવી. આ શૃંખલાના ભાગરૂપે ૧૯૭૭માં ખાંભા તાલુકાના તાતણીયા (ગીર) ગામની પસંદગી કરવામાં આવી. ગાંધીવાદી વિચારધારા ધરાવતા બાલુબાપા ગઢિયાના અથાગ પરિશ્રમથી અહીં ‘જનતા વિદ્યાલય’નો પાયો નખાયો.

​પશુપાલકો અને નેસડાઓ સુધી પહોંચ્યા ‘શિક્ષણના દૂત’

​શરૂઆતના તબક્કે મકાન અને વિદ્યાર્થીઓની સંખ્યાનો મોટો પ્રશ્ન હતો. બાલુબાપાએ સ્થાનિક ભંડોળ એકત્ર કરવા માટે અને સીમાંત ખેડૂતો તેમજ નેસડામાં રહેતા માલધારીઓનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. “તમારા સંતાનોને ભણવા મોકલો” – આ એક જ સૂત્ર સાથે તેમણે ગામેગામ ભ્રમણ કર્યું, જેના પરિણામે આજે આ શાળા ઉચ્ચતર માધ્યમિક સુધીની સગવડ ધરાવતી થઈ છે.​વર્તમાન સમયમાં આ સંસ્થા આધુનિક સુવિધાઓથી સજ્જ છે.લાસાના શિક્ષણપ્રેમી અલ્પેશભાઈ કોટડીયા દ્વારા અદ્યતન બિલ્ડીંગ અર્પણ કરવામાં આવ્યું છે.

​સંસ્થાના નિયામક મીનીબેન પુરોહિતના સતત સહકારથી પ્રવૃત્તિઓ વેગવંતી બની છે.આચાર્ય અને જાણીતા મોટીવેટર ધર્મેન્દ્રભાઈ કનાળાના સફળ સંચાલન હેઠળ વિદ્યાર્થીઓનું ઘડતર થઈ રહ્યું છે. ​અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, મહાત્મા ગાંધી જે ‘સ્વનિર્ભર’ અને ‘સ્વાવલંબી’ શિક્ષણના હિમાયતી હતા, તે મૂલ્યો આજના મોબાઈલ અને ઇન્ટરનેટ યુગમાં વિસરાઈ રહ્યા છે. ગાંધીજી પર જ્હોન રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ ની જે અસર હતી, તેવી જ રીતે બાલુબાપા ગઢિયાએ ગાંધીજીના આદર્શોને જીવી બતાવ્યા હતા. આજે જ્યારે ટેકનોલોજી માણસને ‘પાંગળો’ બનાવી રહી છે, ત્યારે તાતણીયાની આ સંસ્થા વિદ્યાર્થીઓને નોકરીની પાછળ ભટકવાને બદલે સ્વનિર્ભર બનવા પ્રેરે છે.

​જ્યાં નિષ્ઠાવાન આગેવાનો અને કર્મઠ યુવાનો હોય, ત્યાં સંસ્થાનો વિકાસ નિશ્ચિત છે એ વાત તાતણીયા જનતા વિદ્યાલયે સાબિત કરી દીધી છે.

Related Posts