અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગીરના ‘જીવતા ગાંધી’ તરીકે ઓળખાતા સ્વ. બાલૂબાપા ગઢિયાએ સમાજના દરેક વર્ગ માટે આપેલી સેવાઓ આજે પણ અવિસ્મરણીય છે. ખાસ કરીને ૧૯૮૦ના દાયકામાં જ્યારે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે બાલુબાપાએ ‘ગ્રોફેડ’ (ગુજરાત કોપરેટીવ તેલીબિયા ઉત્પાદક ફેડરેશન)ના માધ્યમથી કૃષિ ક્ષેત્રે જે જ્યોત પ્રગટાવી હતી, તેના સંસ્મરણો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.
*બાલૂબાપા માટે ખેડૂત એ માત્ર અન્નદાતા નહીં, પણ રાષ્ટ્રના ‘પ્રધાનમંત્રી’ હતા.* ખેડૂતો મગફળીનું મહત્તમ ઉત્પાદન મેળવે, તેમને પાકના પોષણક્ષમ ભાવ મળે અને ગ્રોફેડ દ્વારા નિકાસના માધ્યમથી કિસાન સમૃદ્ધ તથા સ્વાવલંબી બને તે તેમનું જીવનલક્ષ્ય હતું. આ હેતુને સિદ્ધ કરવા તેમણે દસ વર્ષ સુધી માનદ સેવા આપીને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નિઃસ્વાર્થ કામગીરી કરી હતી. હવે વાત કરવી છે
ઐતિહાસિક તાતણીયા સેમિનાર અર્થાત કૃષિ જ્ઞાનનો સૂર્યોદય.
વર્ષ ૧૯૮૩-૮૪ના અરસામાં બાપાના પ્રયત્નોથી તાતણીયા મુકામે યોજાયેલો ‘ગ્રોફેડ સેમિનાર’ ખાંભા તાલુકાના ઇતિહાસની સુવર્ણ ઘટના બની રહી. આ સેમિનારના આયોજન પૂર્વે બાપાએ ખેડૂતોની મીટિંગ બોલાવી તેમના મંતવ્યો જાણ્યા હતા. કૃષિ નિષ્ણાંતો દ્વારા મગફળીનો વધુ ફાલ કેવી રીતે લેવો અને બજારમાં યોગ્ય ભાવ મેળવવાની પદ્ધતિઓ વિશે સાદી અને સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. આ પ્રકારનો વિશાળ જિલ્લા કક્ષાનો સેમિનાર એ સમયે આ પંથક માટે નવો અને અત્યંત માર્ગદર્શક પુરવાર થયો હતો.
સાથી કાર્યકરોનો સહયોગ અને લોકશક્તિનું દર્શન
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આજુબાજુના વિસ્તારના અનેક અગ્રણીઓએ ખભેખભા મિલાવી જહેમત ઉઠાવી હતી. જેમાં:
ટપુબાપા સાવલિયા (નાના વિસાવદર)
શામજીભાઈ રાણા નસિત (ઉમરીયા)
ધીરુભાઈ (ગ્રોફેડ)
ઝાલુભાઈ ભમર (સરપંચશ્રી)
વિઠ્ઠલભાઈ પીપળીયા (લાતીવાળા)
નંદરામ બાપુ (મહંતશ્રી, ધાવડીયા રામદેવ મંદિર)
વાલજી જેરામ, નટુભાઈ આયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
બાલૂબાપા ગઢિયાનો મંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અને ‘સેવા એ જ પરમ ધર્મ’ હતો. તેમણે સમાજને એકતાંતણે બાંધીને ખેડૂતોને આત્મનિર્ભરતાની જે રાહ ચીંધી હતી, તેની સુવાસ આજે પણ ગીરના ગામેગામમાં મહેંકી રહી છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના આદર્શો અને કૃષિ ક્ષેત્રે કરેલા પાયાના કાર્યો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે..


















Recent Comments