વન નેશન વન ઈલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી
‘વન નેશન વન ઈલેક્શન’ બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ બિલને વિસ્તૃત ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી શકે છે. કેબિનેટે વન નેશન વન ઈલેક્શન પર રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને સ્વીકારી લીધો છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ ઈચ્છે છે. તમામ હિતધારકો સાથે વિગતવાર ચર્ચા થવી જાેઈએ તેમ સરકાર માને છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. આ સાથે દેશભરના પ્રબુદ્ધ લોકોની સાથે તેમજ તમામ રાજ્યની વિધાનસભાના વક્તાઓને પણ બોલાવી શકાશે. વન નેશન વન ઈલેક્શનના ફાયદા અને તેના સંચાલનની પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સરકારને આશા છે કે આ બિલ પર સર્વસંમતિ રચાશે.
મોદી સરકાર આ બિલને લઈને સતત સક્રિય છે. સરકારે સપ્ટેમ્બર ૨૦૨૩માં આ મહત્વકાંક્ષી યોજના પર આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. કોવિંદ સમિતિએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને તેની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પ્રથમ તબક્કા હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. જ્યારે બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની ભલામણ કરવામાં આવી છે. નિષ્ણાતો અને હિતધારકો સાથે ૧૯૧ દિવસ સુધી પરામર્શ કર્યા બાદ, કોવિંદ સમિતિએ ૧૮ હજાર ૬૨૬ પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ૨૦૨૯ સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ કરાવી શકાય.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં, ૫ વર્ષના બાકી સમય માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થવી જાેઈએ. બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૧૦૦ દિવસમાં થઈ શકે છે. આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરી શકે છે. આ સિવાય સુરક્ષા દળોની સાથે વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને મશીનો માટે પણ આગોતરૂ આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સમિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આઠ સભ્યો હતા. કોવિંદ ઉપરાંત તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીપીએ નેતા ગુલાબ નબી આઝાદ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સામેલ હતા. આ ઉપરાંત ૧૫મા નાણાપંચના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપ અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી પણ આ સમિતિનો ભાગ હતા.
વન નેશન, વન ઇલેક્શન એ એક પ્રસ્તાવ છે જે અંતર્ગત ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્વના લક્ષ્યાંકોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. હકીકતમાં, ૧૯૫૧ અને ૧૯૬૭ ની વચ્ચે, દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી અને લોકો એક જ સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને મત આપતા હતા. બાદમાં, દેશના કેટલાક જૂના પ્રદેશોની પુનઃરચના સાથે, ઘણા નવા રાજ્યોની સ્થાપના પણ કરવામાં આવી. આ કારણે ૧૯૬૮-૬૯માં આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેને ફરી શરૂ કરવાના વિચારો ચાલી રહ્યા છે.
Recent Comments