પ્રતિભાઓને મંચ પ્રદાન કરતા કલા મહાકુંભમાં ૪ વયજૂથના લોકો ૩૭ જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં લોકો ભાગ લઈ શકશે. આ કલા મહાકુંભમાં ભાગ લેવા માટે તા. ૨૦ જુલાઇ, ૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું.
ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ તેમજ અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા આ વર્ષે પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કલા મહાકુંભનું આયોજન થશે. જેમાં રજિસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૦/૦૭/૨૦૨૫ છે.
આ કલા મહાકુંભમાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
તાલુકા કક્ષાએથી શરુ થતી કુલ ૧૪ કૃતિમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત-ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધનો સમાવેશ થાય છે.
સીધી જિલ્લાકક્ષાએથી શરુ થતી ૦૯ કૃતિમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન અને સીધી પ્રદેશકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી ઉપરાંત સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિ-સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા અને ન ભણતા હોય તેવા કલાકારોએ જે-તે તાલુકાના કલાકારોને પોતાનું અરજી ફોર્મ જે-તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોંચાડવું.
અમરેલી તાલુકાના સ્પર્ધક કલાકારોએ દીપક હાઈસ્કૂલ,અમરેલી ખાતે શ્રી પ્રકાશભાઈ જોષી, બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ મેઘાણી હાઈસ્કૂલ, બગસરા ખાતે શ્રી વિનોદભાઈ જેઠવા, રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ટી.જે.બી.એસ. ગર્લ્સ સ્કૂલ, રાજુલા ખાતે શ્રીમતી સીમાબેન પંડયા, જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ પારેખ અને મહેતા હાઇસ્કૂલ,જાફરાબાદ ખાતે શ્રી વિમલભાઈ અગ્રાવત, કુંકાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, બાંભણીયા ખાતે શ્રી બળદેવભાઈ પરમાર, ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જે.એન.મહેતા હાઈસ્કૂલ, ખાંભા ખાતે શ્રી અજીતસિંહ ગોહિલ, બાબરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય, વાંડળીયા ખાતે શ્રી હરેશભાઈ વડાવીયા, ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલ, ધારી ખાતે શ્રી માનસિંહભાઈ બારડ, સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાવરકુંડલા તાલુકા યુવક મંડળ, સાંઈદર્શન કોમ્પ્લેક્ષ, મણીભાઈ ચોક, સાવરકુંડલા ખાતે શ્રી ધર્મશંકરભાઈ ભટ્ટ, લીલીયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી માધ્યમિક શાળા, ક્રાંકચ ખાતે શ્રી શીતલબેન ભટ્ટ અને શ્રી કે.ડી.ડાવેરા, લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતી એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય,લાઠી ખાતે શ્રી અંજુબેન દુદાવાળાને ફોર્મ જમા કરાવવા.
કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dydoamreli.blogpost.com પરથી અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રુમ નં.૧૧૦/૧૧૧, પ્રથમ માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલીથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments