ભાવનગર

પ્રાકૃતિક ખેતી : જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરતી ટકાઉ પદ્ધતિ

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય
આપવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના અતિરેકથી જમીનની ફળદ્રુપતા અને
માનવ સ્વાસ્થ્ય પર થતા પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખી, હવે દેશભરમાં કુદરત આધારિત ખેતી
પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે
માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ દરમિયાન દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, બીજામૃત,
જીવામૃત અને ઘનામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું વિશેષ મહત્વ છે, જે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવી
જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયરૂપ બને છે.
દેશી ગાય આધારિત ખેતીનો મહિમા પ્રાકૃતિક ખેતીનો આધાર મુખ્યત્વે દેશી ગાય પર છે. દેશી
ગાયના ગૌમૂત્ર, ગોબર અને છાસમાંથી તૈયાર થતી વિવિધ કુદરતી દવાઓ જમીનને જીવંત રાખે છે.
જીવામૃત અને ઘનામૃતના નિયમિત ઉપયોગથી પાકની વૃદ્ધિ સારી થાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને
જમીનની ગુણવત્તા લાંબાગાળે જળવાઈ રહે છે.
પરંપરાગત જ્ઞાન તરફ વળતા ખેડૂતો

ખેડૂતમિત્રો જણાવે છે કે વર્ષો પહેલા બાપ-દાદાઓ રાસાયણિક દવાઓ વિના ખેતી કરતા હતા. માત્ર
કુદરતી વસ્તુઓ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીથી જમીન કે
માનવ સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નહોતું. આજના સમયમાં ફરી એકવાર એ જ પરંપરાગત અને વૈજ્ઞાનિક
રીતે અસરકારક પદ્ધતિ તરફ ખેડૂતો વળતા જોવા મળી રહ્યા છે.
પ્રાકૃતિક વસ્તુઓ અને વનસ્પતિઓની ઉપયોગીતા
પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારના કેમિકલ વગર ઝાડના પાંદડા, બેસન અથવા દાળનો લોટ, ગોળ,
લીમડાના પાંદડા, ગૌમૂત્ર, તાજી છાસ અને પાણીમાંથી તૈયાર થતું અમૃતપાણી પાકના સર્વાંગી વિકાસમાં
ઉપયોગમાં લેવાય છે.
પાકમાં થનારા હાનિકારક કીડા-કીટકોના નિયંત્રણ માટે પેન્ટાફાઈટર ઉપયોગી સાબિત થાય છે.
ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચાં અને દેશી લસણમાંથી તૈયાર થતું ‘અગ્નિયાસ્ત્ર’ ઈયળો અને જીવાતોથી
પાકનું અસરકારક રક્ષણ કરે છે.
ડાંગર અને તુવેર જેવા પાકોના બીજને પડ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જે
અંકુરણ ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે.
ટકાઉ ખેતી તરફ મજબૂત પગલાં
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની લાંબાગાળાની ફળદ્રુપતા, પર્યાવરણનું સંરક્ષણ
અને માનવ સ્વાસ્થ્યમાં સુધારો શક્ય બને છે. સરકારના માર્ગદર્શન અને તાલીમથી હવે વધુને વધુ ખેડૂતો
પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં ટકાઉ કૃષિ વ્યવસ્થાનો મજબૂત આધાર બનશે.

Related Posts