ભાવનગર જિલ્લાકક્ષા-મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુંભ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમુહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, રાસ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધલેખન, સ્કુલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓરગન સ્પર્ધાઓનું આયોજન થશે.
જેમાં ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૧૬/૦૧/૨૦૨૫ થી ૧૭/૦૧/૨૦૨૫ દરમ્યાન શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે યોજાશે, જ્યારે ભાવનગર (શહેર) મહાનગરપાલિકાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૧૮/૦૧/૨૦૨૫ થી ૧૯/૦૧/૨૦૨૫ દરમ્યાન શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે અને સ્કૂલબેન્ડની સ્પર્ધા તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ ક્રાઈસ્ટ સ્કૂલ, ચિત્રા, ભાવનગર ખાતે યોજાશે.
ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમોએ અને સીધી મહાનગરપાલિકાકક્ષા/જિલ્લાકક્ષા સ્પર્ધાના પ્રવેશપત્ર કચેરીએ જમા કરાવેલ સ્પર્ધક/ટીમોએ સ્પર્ધાનું સમયપત્રક નીચેના બ્લોગ એડ્રેસ પરથી મેળવીને સ્પર્ધા શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા સ્પર્ધા સ્થળે પહોચી જવાનું રહેશે. જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમ સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષા) સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિગતવાર કાર્યક્રમ અંગેની માહિતી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગરના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી જાણી શકાશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments