અમરેલી

પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. લગાવવા ફરજિયાત

PCPNDT ACT-૧૯૯૪ અન્વયે જાતીય પરીક્ષણના ગુન્હાઓ રોકવાના અમલીકરણ માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજિસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓના સમગ્ર વિસ્તારને આવરી લેતા સી.સી.ટી.વી લગાવવા અને સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ ૨૪×૭ કલાકનું ૩૦ દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે. અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) – ૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગત આ જાહેરનામું બહાર પાડ્યું છે, જે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે.

નક્કી કરવામાં આવેલી અધિકૃત્ત વ્યક્તિ જ સોનોગ્રાફી રુમમાં પ્રવેશે, સોનોગ્રાફી રુમમાં વ્યક્તિનો ચહેરો દેખાય તે રીતે રુમની બહારના દરવાજાના ભાગમાં સી.સી.ટી.વી લગાવવા. સોનોગ્રાફી રુમની અંદર કે જ્યાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી કેમેરા લગાવી શકાશે નહીં. જો સોનોગ્રાફી રુમના દરવાજા અંદર અને બહારના એમ બંને ભાગમાં હોય તો બંને જગ્યાએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. સંબંધિત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરુર જણાયે જ્યારે પણ સી.સી.ટી.વી રેકોર્ડિંગ બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવું. સંબંધિત બેકઅપમાં કોઈ ત્રુટિ જણાશે તો તેની જવાબદારી હોસ્પિટલ, ક્લિનિક કે સંસ્થાની રહેશે. હુકમના ભંગ બદલ ભારતીય દંડ સંહિતા (બી.એન.એસ.)-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈ હેઠળ સજાપાત્ર છે.

Related Posts