રાષ્ટ્રીય

‘આતંકવાદીઓનો ગઢ છે પાકિસ્તાન’, પ્રોક્સી વોરના આરોપ મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ

ભારત બાદ અફઘાનિસ્તાનની સેનાએ પણ પાકિસ્તાનના ભૂક્કા બોલાવ્યા છે. જે બાદથી જ પાકિસ્તાન હાંફળું-ફાંફળું થયું છે. આટલું જ નહીં પાકિસ્તાનની સરકારના પ્રતિનિધિઓ અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ માટે ભારત પર આરોપ લગાવી રહ્યા છે. જેના પર હવે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ બાદ પાકિસ્તાને સીઝફાયરની માંગ કરી હતી. જે બાદ અફઘાનિસ્તાને હુમલા રોક્યા. જોકે હજુ પાકિસ્તાનને ભય છે કે સૈન્ય સંઘર્ષ વધી શકે છે. અમેરિકા અને ચીન પણ આ મુદ્દે રસ લઈ રહ્યા છે. એવામાં પાકિસ્તાને ભારત પર પ્રોક્સી વોરનો આરોપ લગાવ્યો છે. જેના પર ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યો છે, કે ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર અમારી નજર છે. ત્રણ વાતો સ્પષ્ટ છે- પહેલી કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનો ગઢ છે અને પાકિસ્તાન તેમને સ્પોન્સર કરે છે. બીજી, કે પડોશીઓ પર આરોપ લગાવવાની પાકિસ્તાનની જૂની ટેવ છે. ત્રીજી, કે અફઘાનિસ્તાન પોતાના સર્વભૌમત્વનું રક્ષણ કરે છે તેનાથી પાકિસ્તાન નારાજ છે. ભારત અફઘાનિસ્તાનના સર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડતા અને સ્વતંત્રતા માટે કટિબદ્ધ છે.’ બીજી તરફ તાલિબાનથી ગભરાઈને પાકિસ્તાન અમેરિકાને મધ્યસ્થી કરવા અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ટીવી ઈન્ટરવ્યૂમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે છેલ્લા 15-20 વર્ષોમાં અમેરિકાએ યુદ્ધ સ્પોન્સર કર્યા પણ ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપ્રમુખ છે જેમણે યુદ્ધ શાંત કરાવ્યા. નોંધનીય છે કે હાલમાં જ ટ્રમ્પે પણ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે હું તો યુદ્ધ રોકાવવામાં માહેર છું. 

Related Posts